- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીની હિંસામાં 8 લોકોના મોતનો મામલો
- સુપ્રીમ કોર્ટમાં આજે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી
- પ્રધાન ન્યાયાધીશ એન. વી. રમન્ના, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની એક બેન્ચ આ મામલાની સુનાવણી કરશે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આજે લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri Case) 3 ઓક્ટોબરે થયેલી હિંસાના મામલાની સુનાવણી થશે. આ ઘટનામાં 4 ખેડૂત સહિત 8 લોકોના મોત થયા હતા. પ્રધાન ન્યાયાધીશ એન. વી. રમન્ના, ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની એક બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. આ બેન્ચે 8 લોકોની હત્યાના કેસમાં ઉત્તરપ્રદેશ સરકારની કાર્યવાહી પર 8 ઓક્ટોબરે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ મામલામાં અત્યાર સુધી કેન્દ્રિય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનાની તપાસમાં CBIને પણ સામેલ કરવામાં આવી હતી
CJIને એક પત્ર લખીને 2 વકીલોએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસ કરાવવાની માગ કરી હતી, જેમાં CBIને પણ સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ જ ઉચ્ચ કોર્ટે આ મામલાની સુનાવણી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોનો એક સમૂહ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની યાત્રા વિરુદ્ધ 3 ઓક્ટોબરે પ્રદર્શન કરી રહ્યું હતું. ત્યારે લખીમપુર ખીરીમાં એક SUV (કાર)એ ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા. આનાથી રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ભાજપના 2 કાર્યકર્તાઓ અને એક ચાલકને કથિત રીતે ઢોર માર મારી હત્યા કરી હતી. જ્યારે આ હિંસામાં એક સ્થાનિક પત્રકારનું પણ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો- લખીમપુર ખીરી હિંસા: પ્રધાનની ધરપકડની માગ સાથે ખેડૂતોનું 'રેલ રોકો' આંદોલન