- ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત
- ભારત-શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ રદ કરાઈ
- બન્ને ટીમના ખેલાડીઓને આઇસોલેટ કરાયા
ન્યૂઝ ડેસ્ક : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયા છે. આજે મંગળવારના રોજ ભારત-શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. જેમાં, કૃણાલ પંડ્યા પણ આ ટીમમાં ભારત તરફથી રમવાનો હતો, પરંતુ તે કોરોના સંક્રમિત થતા જ ભારત-શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ રદ કરવામાં આવી છે. હાલમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
કેપ્ટન વિરાટ કોહલી ટીમ સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે
ભારતીય ટીમે અગાઉ વનડે સિરીઝ કબજે કરી હતી. શિખર ધવનની કેપ્ટનશિપ સાથે ટીમે 3 મેચની શ્રેણી 2-1થી જીતી હતી. ઉલ્લેખનીય છે કે, કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. આવી સ્થિતિમાં શિખર ધવનની કપ્તાની હેઠળ યુવા ખેલાડીઓને શ્રીલંકા સામે રમવા મોકલવામાં આવ્યા છે.
T-20 મેચ સ્થગિત કરાઈ
અગાઉ આ શ્રેણી 13 જુલાઇથી શરૂ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે તે 18 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી. તેવામાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતા બન્ને ટીમો વચ્ચેની બીજી T-20 મેચ સ્થગિત કરવામાં આવી છે. અત્યારે બન્ને ટીમના ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.