- હવે રાત્રિ દરમિયાન ટ્રેનમાં મોબાઈલ કે લેપટોપ ચાર્જ થઈ શકશે નહીં
- રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે ચાર્જિંગ પોઈન્ટ્સ
- આગ લાગવાની ઘટનાઓને લઈને રેલવે બોર્ડ દ્વારા લેવાયો નિર્ણય
લખનઉ:રાત્રિ દરમિયાન ટ્રેન યાત્રા કરી રહેલા યાત્રિકો હવે મોબાઈલ ફોન તેમજ લેપટોપ ચાર્જ કરી શકશે નહીં. રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી તમામ ટ્રેનોમાં ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે. રેલવે બોર્ડ દ્વારા થોડા દિવસો અગાઉ શતાબ્દી ટ્રેનોમાં આગ લાગવાની ઘટના બાદ તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડના આ નિર્ણય બાદ યાત્રીઓએ પોતાના ઘરેથી જ મોબાઈલ ફોન ચાર્જ કરીને નિકળવું પડશે.
હવે રાત્રિના સમયે ટ્રેનમાં ચાર્જિંગ પોઈન્ટ્સ બંધ રહેશે ચાર્જિંગ પોઈન્ટ્સ બંધ કરવાની જવાબદારી કોચ એટેન્ડન્ટની
છેલ્લા થોડા સમયથી ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. તેના માટે માત્ર ચાર્જિંગ પોઈન્ટ્સ જ જવાબદાર નથી. જો પાર્સલ કોચમાં કોઈ જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યો હોય, તો પણ આગના બનાવ સર્જાઈ શકે છે. જોકે, ચાર્જિંગ પોઈન્ટ્સમાં ઓવરહિટીંગના કારણે આગ લાગવાના બનાવ સર્જાવાની સૌથી વધારે સંભાવનાઓ રહેલી છે. આ વાતને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડ દ્વારા રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી તમામ ચાર્જિંગ પોઈન્ટ્સ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એસી કોચ એટેન્ડન્ટે 11 વાગ્યે તમામ ચાર્જિંગ પોઈન્ટ્સ બંધ કરવાના રહેશે અને સવારે 5 વાગ્યે ચાર્જિંગ પોઈન્ટ ઓન કરવાના રહેશે. આ ઉપરાંત તમામ ચાર્જિંગ પોઈન્ટ્સની આસપાસ આ માટે સ્ટિકર્સ પણ લગાવવામાં આવી રહ્યાં છે.