- મુઝફ્ફરપુરની માટીમાં સંગોપાયેલી છે ક્રાંતિકારી ખુદીરામ બોઝની સ્મૃતિ
- ફક્ત 19 વર્ષની વયમાં માં ભારતી માટે ફાંસીના ફંદે ઝૂલી ગયાં હતાં
- તેમના પ્રદાને સ્વતંત્રતા સંગ્રામની દિશા બદલી હતી
મુઝફ્ફરપુરઃમુઝફ્ફરપુરના આ બહાદુર ક્રાંતિકારી ખુદીરામની ( Khudiram Bose) નિર્ભયતા અને બહાદુરીથી બ્રિટિશ શાસન એટલું ડર્યું હતું, કે તેને માત્ર 19 વર્ષની નાની ઉંમરે ફાંસી આપવી પડી હતી. ભારતીય ચળવળના આ મહાનાયક સાથે જોડાયેલી ઘણ સ્મરણો આજે પણ મુઝફ્ફરપુરની ધરતી પર મોજૂદ છે, જેમાં કેટલીક સ્મૃતિઓ આજે પણ સચવાયેલી છે. જ્યારે કેટલીક નિશાનીઓ હવે કાળક્રમે સરકારી ઉદાસીનતા દ્વારા નષ્ટ પણ થઈ રહી છે.
9માં ધોરણમાં ભણતાં ખુદીરામે આઝાદીના જંગમાં ઝંપલાવ્યું
બ્રિટિશ શાસનની ચુંગાલમાંથી આઝાદી મેળવવા માટે કંઈ પણ કરવાની ઈચ્છા ધરાવતા ખુદીરામ બોઝનો ( Khudiram Bose) જન્મ 3 ડિસેમ્બર 1889ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં થયો હતો, પરંતુ મુઝફ્ફરપુર આ મહાન ક્રાંતિકારીની કર્મભૂમિ બની રહી છે, જ્યાં તેઓ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને આઝાદીના ઇતિહાસમાં અમર બન્યાં છે. ખુદીરામ બોઝ 9માં ધોરણમાં ભણતાં હતાં, ત્યારે જ આઝાદીની ચળવળમાં ઝંપલાવી દીધું હતું. તેમણે 1905માં બંગાળના વિભાજન સામેના આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. ખુદીરામની નિર્ભયતા અને આઝાદી માટેનો તેમનો જૂસ્સો જોઈને માત્ર 17 વર્ષની ઉંમરે 28 ફેબ્રુઆરી 1906ના રોજ પ્રથમ વખત તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે અંગ્રેજોને ચકમો આપીને જેલમાંથી ભાગી ગયા હતાં.
બ્રિટિશ જજને પાઠ ભણાવવા ફેંક્યો બોમ્બ
સ્વતંત્રતા ચળવળમાં શામેલ દેશભક્તોને કડક સજા આપનારા બ્રિટિશ જજ કિંગ્સફોર્ડને પાઠ ભણાવવા માટે ખુુદીરામે ( Khudiram Bose) તેમના સાથી પ્રફુલચંદ ચાકી સાથે 30 એપ્રિલ 1908ના રોજ મુઝફ્ફરપુરમાં સેશન્સ જજની કાર પર બોમ્બ ફેંક્યો હતો, પરંતુ તેની કારમાં સેશન્સ જજ ન હતાં અને તેને બદલે તેમના પરિચિત 2 યુરોપિયન મહિલા કેનેડી અને તેમની પુત્રી હતાં, જે બન્ને આ હુમલામાં મોતને ભેટ્યા હતા. આ હુમલા પછી ખુદીરામ બ્રિટિશરોની આંખે ચડી ગયાં અને અંગ્રેજ ફોજ આદુ ખાઈને તેમના પાછળ પડી ગઈ હતી. ભાગવાના પ્રયાસો વચ્ચે ખુદીરામ બોઝની સમસ્તીપુરના પૂસા સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. આ હુમલામાં ખુદીરામ બોઝના સહાયક પ્રફુલચંદ મોકામામાં પોલીસ અથડામણમાં માર્યા ગયાં હતાં. આ બાદ તેમને માત્ર 19 વર્ષની ઉંમરે 11 ઓગસ્ટ 1908ના રોજ મુઝફ્ફરપુર જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી. મુઝફ્ફરપુરની સેન્ટ્રલ જેલમાં જે સેલમાંં આ મહાન ક્રાંતિકારીને રાખવામાં આવ્યાં હતાં અને જેલમાં જ્યાં ફાંસી આપવામાં આવી હતી, તે બન્ને સ્થળો હજુ પણ મુઝફ્ફરપુરની સેન્ટ્રલ જેલમાં સાચવવામાં આવ્યા છે.