- કર્ણાટક BJPના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન
- રાહુલ ગાંધીને 'ડ્રગ્સ એડિક્ટ' અને 'ડ્રગ્સ પેડલર' ગણાવ્યા
- કોંગ્રેસે ભાજપને માફી માંગવા કહ્યું
નવી દિલ્હી: કર્ણાટક ભારતીય જનતા પાર્ટી (BJP Karnataka)ના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલે (Nalin Kumar Kateel) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ડ્રગ પેડલર અને ડ્રગ્સ એડિક્ટ (Drug Addict) ગણાવ્યા છે. BJP નેતા નલિન કુમાર કતીલના મંગળવારના નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. કૉંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારે ટ્વીટ કરીને બીજેપી નેતાના નિવેદનની ટીકા કરી છે અને સાર્વજનિક માફી માંગવા કહ્યું છે.
કોંગ્રેસે PM મોદીને અભણ કહ્યા હતા
કર્ણાટક BJP પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલનું રાહુલ ગાંધીને લઇને ડ્રગ્સ એડિક્ટનું નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે એક દિવસ પહેલા કર્ણાટક કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'અંગૂઠા છાપ' અને 'અભણ' કહેવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ કોંગ્રેસે આ ટ્વીટને પાછું લઇ લીધું હતું અને માફી માંગી હતી. કર્ણાટક BJPના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલે ટ્વીટ કરીને કહ્યું કે, 'રાહુલ ગાંધી કોણ છે? હું એ નથી કહી રહ્યો, પરંતુ રાહુલ ગાંધી ડ્રગ્સ એડિક્ટ અને ડ્રગ્સ પેડલર છે. આ મીડિયામાં પણ આવી ગયું હતું. તમે (રાહુલ ગાંધી) પાર્ટી પણ ના ચલાવી શકો.'
ડી.કે. શિવકુમારે ભાજપને માફી માંગવા કહ્યું
નલિન કુમાર કતીલના નિવેદન બાદ કર્ણાટકના રાજકારણમાં વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસની માંગ છતા પણ નલિન કુમાર કતીલે હજુ સુધી માફી નથી માંગી. નલિન કુમાર કતીલના આ નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમારે ટ્વીટ કરીને અપમાનજનક અને અસંસદીય ટિપ્પણી માટે ભાજપને માફી માંગવા કહ્યું છે. ડી.કે. શિવકુમારે ટ્વીટ કર્યું કે, 'કાલે મેં કહ્યું હતું કે મારું માનવું છે કે રાજનીતિમાં આપણે સભ્ય અને સન્માનજક હોવું જોઇએ, ત્યાં સુધી કે પોતાના વિરોધીઓ માટે પણ. મને આશા છે કે ભાજપ મારી સાથે સહમત થશે અને રાહુલ ગાંધી વિરુદ્ધ પોતાના પ્રદેશ અધ્યક્ષની અપમાનજક અને અસંસદીય ટિપ્પણી માટે માફી માંગશે.'
આળસુ લોકોએ દેશની જનતાને ભિખારી બનાવી દીધી
આ પહેલા કર્ણાટક કોંગ્રેસના સત્તાવાર હેન્ડલે 'અંગૂઠા છાપ' વાક્યનો ઉપયોગ એ જણાવવા માટે કર્યો હતો કે PM મોદી અભણ છે. વિપક્ષી દળે કન્નડમાં લખ્યું હતું કે, 'કોંગ્રેસે સ્કૂલ બનાવી, પરંતુ મોદી ક્યારેય ભણવા ન ગયા. કોંગ્રેસે પુખ્ત લોકોના શીખવા માટે યોજનાઓ બનાવી, મોદીએ ત્યાં પણ ના શીખ્યું. ભલે ભીખ માંગવી પ્રતિબંધિત છે, પરંતુ આળસુ લોકોએ દેશની જનતાને ભિખારી બનાવી દીધી. #angoothachhapmodiના કારણે દેશ ભોગવી રહ્યો છે.'
આ પણ વાંચો: યુપી ચૂંટણી 2022: યુપીમાં કોંગ્રેસ 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરી જાહેરાત
આ પણ વાંચો: ઓવૈસી, સંજય રાઉત સહિતના નેતાઓએ PM Modi પર કર્યા પ્રહાર