નવી દિલ્હી :કોંગ્રેસે શનિવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર કોથુરજી મંજુનાથ કોલાર વિધાનસભા મતવિસ્તારથી તેના ઉમેદવાર હશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ આ વિધાનસભા ચૂંટણીમાં વરુણની સાથે આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું નામ વરુણા વિધાનસભા મતવિસ્તારમાંથી જાહેર કરવામાં આવ્યું છે.
કોંગ્રેસે 25 માર્ચે પ્રથમ યાદી બહાર પાડી હતી :ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને શુક્રવારે કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન લક્ષ્મણ સાવડીને અથની વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. 6 એપ્રિલે જાહેર કરાયેલી કોંગ્રેસની બીજી યાદીમાં 41 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એક ઉમેદવાર સર્વોદય કર્ણાટક પાર્ટીનો હતો. સર્વોદય કર્ણાટક પાર્ટીના દર્શન પુટ્ટનૈયાને મેલુકોટ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 25 માર્ચે 124 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. પૂર્વ મુખ્યપ્રાધાન સિદ્ધારમૈયાને વરુણા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.