બેંગલુરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કર્ણાટકના ઉત્તર બેંગલુરુ ક્ષેત્રમાં એક વિશાળ રોડ શો યોજ્યો હતો, જ્યાં ભારે ભીડ જોવા મળી હતી. મોદી રાજ્યમાં તેમની ત્રીજી જાહેર સભાને સંબોધિત કર્યા બાદ સાંજે લગભગ 5 વાગ્યે બેલાગવી જિલ્લાના કુડાચીથી અહીં પહોંચ્યા હતા. તેમણે ખાસ ડિઝાઇન કરેલા વાહનમાં સવારી કરીને રોડ શોમાં ભાગ લીધો હતો.
માનવ મહેરામણ ઉમટ્યું:વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાની બંને બાજુએ એકઠા થયા હતા અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. રસ્તાઓ પર ભાજપના ધ્વજ અને પોસ્ટરો જોવા મળ્યા હતા અને રોડ શોના માર્ગ પર કલાકારોના જૂથે લોકપ્રિય નૃત્ય 'ડોલુ કુનીતા' રજૂ કર્યું હતું. અંદાજે 5.3 કિલોમીટર લાંબો રોડ શો ઉત્તર બેંગલુરુમાં મગડી રોડ, નાઇસ રોડ જંકશનથી સુમનહલ્લી સહિત વિવિધ સ્થળોએથી પસાર થયો હતો. રોડ શોના કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જો કે, પોલીસે લોકોને ટ્રાફિક એડવાઈઝરી જારી કરી હતી અને તેમને એવા રસ્તાઓનો ઉપયોગ કરવાનું ટાળવા કહ્યું હતું કે જ્યાંથી વડાપ્રધાનનો કાફલો પસાર થશે. રોડ શોના માર્ગ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.