નવી દિલ્હી : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડ કેસના આરોપી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 20 જાન્યુઆરી સુધી લંબાવી છે. જોકે, કોર્ટે બુધવારે આ જ કેસના આરોપી સર્વેશ મિશ્રાને વચગાળાના જામીન આપ્યા હતા. તેમજ કોર્ટે સર્વેશ મિશ્રાને નિયમિત જામીન લેવા જણાવ્યું હતું. સર્વેશ મિશ્રાના વકીલે કોર્ટને જણાવ્યું કે તેમના પિતાનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હતું. આ માટે તે ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ છે. પિતાની બીમારીના કારણે તેઓ કોર્ટના સમન્સ સામે હાજર થઈ શક્યા નથી.
બન્ને નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો : સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. અગાઉ, રાઉઝ એવન્યુ કોર્ટે 22 ડિસેમ્બર 2023ના રોજ સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે પ્રથમ નજરે સંજય સિંહ મની લોન્ડરિંગ કેસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ હોઈ શકે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રેકોર્ડ પર મૂકવામાં આવેલા તથ્યો કોર્ટને એવું માનવા માટે પૂરતા છે કે સંજય સિંહ મની લોન્ડરિંગમાં દોષિત છે.