જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી રાજસ્થાન :જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેન શુક્રવારે મોડી રાત્રે કોટા જંકશન પર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ટ્રેનમાં સવાર મુસાફરોને અચાનક જોરદાર અવાજ આવ્યો અને અકસ્માતની જાણ થતા તમામ કોઈક રીતે ટ્રેનમાંથી ઉતરવા લાગ્યા હતા. આ સમયે અડધી ટ્રેન જ પ્લેટફોર્મ પર પહોંચી હતી.
રેલવે પ્રશાસનમાં ખળભળાટ :બીજી તરફ અકસ્માતની જાણ થતાં જ રેલવેનું ઈમરજન્સી હૂટર પણ વાગ્યું હતું. જેના કારણે રેલવે પ્રશાસન અને અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. પાટા પરથી ઉતરી ગયેલા બંને કોચને પાટા પર પાછા મુકવામાં આવ્યા હતા અને લગભગ 2 કલાક બાદ ટ્રેન રવાના થઈ હતી.
બે ડબ્બા ખડી પડ્યા :ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટના રાત્રે 10:50 વાગ્યે થઈ જ્યારે જોધપુર-ભોપાલ પેસેન્જર પ્લેટફોર્મ નંબર 4 પર ચાલી રહી હતી. ટ્રેનનો અડધો ભાગ પ્લેટફોર્મ પર પહોંચ્યો હતો, ત્યારે ત્રીજો અને ચોથો ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. આ ડબ્બા થર્ડ AC અને જનરલ કોચ હતો. આ ઘટના સર્જાઈ ત્યારે ટ્રેનની સ્પીડ પણ ઘણી ઓછી હતી, આથી કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ નથી.
બચાવ કામગીરી :બાદમાં અકસ્માત રાહત ટ્રેન પણ ઘટના સ્થળે પહોંચી અને હાઇડ્રોલિક જેકની મદદથી કોચને ઉપાડવાનું કામ શરૂ થયું હતું. લગભગ 2 કલાક બાદ ટ્રેનના ડબ્બાને ફરી ટ્રેક પર ગોઠવી દેવાયા બાદ ટ્રેન લગભગ 1:15 વાગ્યે રવાના થઈ હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે ત્યારબાદ ઘટના બનવાનું કારણ સામે આવશે.
આ ટ્રેન થઈ પ્રભાવિત :જોધપુર-ભોપાલ ટ્રેનના અકસ્માતને કારણે ત્રણ રેલવે ટ્રેક જામ થઈ ગયા. પ્લેટફોર્મ નંબર 2 થી 4 પર લાંબા સમય સુધી ટ્રેનોની અવરજવર થઈ શકી નહોતી. આ ટ્રેક પર આવનારી ટ્રેનોને નજીકના અન્ય સ્ટેશન અથવા આઉટર પર રોકવી પડી હતી. જેના કારણે આ ટ્રેનો પણ કલાકો સુધી અટવાઈ રહી હતી. આ ટ્રેનોમાં જયપુર-ચેન્નઈ એક્સપ્રેસ, અમૃતસર-મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ, કોટા ઈટાવા અને ઈન્દોર-કોટા ઇન્ટરસિટીનો સમાવેશ થાય છે.
- ભાવનગર ડિવિઝનમાં ચાલતી ત્રણ ટ્રેનોના રૂટમાં ફેરફાર, સાંસદ રમેશ ધડૂકે જેતલસર જંકશન રેલવે સ્ટેશનથી ટ્રેનને આપી લીલી ઝંડી
- A unique restaurant : સુરતમાં વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ બનાવાઇ, આ પ્રકારની સુવિધાઓથી છે સુસજ્જ