અમદાવાદ:નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ એન્જિનિયરિંગ પ્રવેશ માટેની દેશની સૌથી મોટી સંયુક્ત પ્રવેશ પરીક્ષા, JEE MAIN 2023 ના જાન્યુઆરી સત્ર માટે પ્રથમ તબક્કા માટે પેપર 1 (BE, BTech) નું પરિણામ જાહેર કર્યું છે. NTA JEE મુખ્ય પરિણામ 2023 સત્તાવાર વેબસાઇટ્સ - jeemain.nta.nic.in અને ntaresults.nic.in પર ઉપલબ્ધ છે. જાન્યુઆરી સત્રની પરીક્ષા માટે હાજર થયેલા ઉમેદવારો અરજી નંબર અને જન્મ તારીખ જેવા તેમના ઓળખપત્રો સાથે લૉગ ઇન કરીને પરિણામ ડાઉનલોડ કરી શકે છે.
કોટાના 3 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા :કોટાની એક ખાનગી કોચિંગ સંસ્થાએ દાવો કર્યો છે કે તેમની સંસ્થામાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓએ JEE મેઈન 2023ના પરિણામમાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેમાંથી 3 વિદ્યાર્થીઓ કોટામાં રહીને અભ્યાસ કરતા હતા. સંસ્થાના અધ્યક્ષ ડૉ. બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું કે અત્યાર સુધીના પરિણામો અનુસાર કૌશલ વિજયવર્ગીય, દેશાંક પ્રતાપ સિંહ, હર્ષુલ સંજયભાઈ, સોહમ દાસ, દિવ્યાંશ હેમેન્દ્ર શિંદે અને ક્રિશ ગુપ્તા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
રવિવારે જાહેર થઇ હતી આન્સર કી:NTA એ JEE Main જાન્યુઆરી 2023ના પરિણામની ઘોષણા પહેલાં 5 ફેબ્રુઆરી રવિવારના રોજ અંતિમ આન્સર કી પણ બહાર પાડી હતી. તો અગાઉ 2 ફેબ્રુઆરીએ કામચલાઉ આન્સર કી અને 4 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો તરફથી મળેલા વાંધાઓને રિલિઝ કર્યા બાદ તેની સમીક્ષા કરવામાં આવી હતી, ત્યાર બાદ ફાઇનલ આન્સર કી રિલીઝ કરવામાં આવી હતી.