મુંબઈઃઆજે મહાન ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરનો 79મો જન્મ દિવસ છે. જાવેદ અખ્તર વિશે કેટલુંય લખાયું છે, વંચાયું છે, કહેવાયું છે, સંભળાયું છે. અત્યારે સ્થિતિ એવી છે કે જાવેદ અખ્તર પોતાના વિશે જાણે છે તેનાથી વધુ તેમના ચાહકો તેમની જિંદગીના અંતરંગી અને રંગબેરંગી કિસ્સાઓ વિશે જાણે છે. આ લેખમાં આપણે જાવેદ અખ્તરના કેટલાક રોમાંચક કિસ્સાઓને મમળાવીશું.
લેખકોને અપાવ્યું માન-સમ્માનઃ 70ના દાયકામાં સલીમ જાવેદ જોડીએ બહુ નામ કમાવ્યું હતું. આ જોડીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેખકોને પહેલા જે માન સમ્માન નહતું મળતું તે અપાવ્યું હતું. માન સમ્માન ઉપરાંત યોગ્ય નાણાકીય વળતર પણ સલીમ જાવેદે જ અપાવ્યું હતું તેમ કહી શકાય. સલીમ જાવેદે જે પટકથા લેખન કર્યુ તેમાં શોલેનો ઉલ્લેખ અનિવાર્ય છે. શોલે ઉપરાંત દિવાર, ત્રિશુલ, શક્તિ, શાન, કાલા પત્થર વગેરે મહત્વની ફિલ્મો છે. જાવેદ અખ્તર અમિતાભ બચ્ચનના 15થી વધુ ફિલ્મોના કલીગ રહી ચૂક્યા છે. તેમના પટકથા લેખનમાં હાથી મેરે સાથીનો કિસ્સો બહુ મશહુર છે.
હાથી મેરે સાથીઃ એક દિવસ સુપર સ્ટાર રાજેશ ખન્ના દોડતાં દોડતાં સલીમ જાવેદ પાસે આવ્યા. તેમણે સલીમ જાવેદને વિનંતી કરી કે હું હાથી મેરે સાથી મૂવિની સાઈનિંગ એમાઉન્ટ લઈ ચૂક્યો છું. આ રકમમાંથી મેં ઘર પણ ખરીદી લીધું છે. હું હવે ફિલ્મ છોડી શકું તેમ નથી અને મને લાગે છે કે આ ફિલ્મમાં હાથીને મારા કરતા વધુ મહત્વ આપવામાં આવશે. તમે જ કંઈક રસ્તો કાઢો. ત્યારે જાવેદ અખ્તરે રાજેશ ખન્નાને કહ્યું હતું કે, તમે નિરાંતે ફિલ્મ કરો હાથીનો રોલ મહત્વનો છે કેમકે વાર્તા હાથીની આસપાસ ગુંથાયેલ છે પરંતુ તમારો રોલ પણ એટલો જ મહત્વનો રહેશે આ ફિલ્મમાં તેની જવાબદારી અમારી. ત્યારબાદ રાજેશ ખન્નાએ આ ફિલ્મનુ શુટિંગ શરુ કરી દીધું અને ફિલ્મની સફળતા ઈતિહાસ બની ગઈ.
શોલેઃરમેશ સીપ્પી નિર્દેશીત આ ફિલ્મની દરેક બાબતો દરેક સીનેમા પ્રેમી જાણે છે. તેમ છતાં સૂરમા ભોપાલીનો ઉલ્લેખ કરવો જરૂરી છે. કહેવાય છે કે સાચે જ ભોપાલમાં રહેતા સૂરમા ભોપાલીએ લેખક જોડી જાવેદ અખ્તર પર કેસ કર્યો હતો. આ ઉપરાંત ધર્મેન્દ્રનો ટાંકી પર ચઢીને હેમામાલિનીની માસીને વખોડતો બહુ ચર્ચીત સીન જાવેદ અખ્તરે એરપોર્ટ પર ઊભા ઊભા કારના બોનેટ પર રફ લખ્યો હતો. તેને ફેર કર્યો હતો તેમના એક સહાયકે. જો કે આ સીન શોલે ફિલ્મની સૌથી મોટી ઓળખ પૈકીનો એક બની રહ્યો.
1942 એ લવસ્ટોરીઃ આ ફિલ્મમાં જાવેદ અખ્તરે એક ગીતકાર તરીકે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. જો કે જાવેદ અખ્તરને ખુશી એ વાતની છે કે મહાન અને સમર્થ ગીતકાર આનંદ બક્ષીએ તેમને એપ્રિશિયેટ કર્યા હતા. આ ફિલ્મના ગીતો સાંભળ્યા બાદ આનંદ બક્ષીએ જાવેદ અખ્તરને કહ્યું હતું કે, મને ખબર છે કે તમે સારા ગીતો લખી શકો છો પરંતુ આટલા સારા ગીતો લખી શકો છો તે ખબર નહતી. આ એપ્રિશિયેશન જાવેદ અખ્તર માટે બહુ ખાસ છે.
એક દો તીન ચાર.....: તેજાબ ફિલ્મના આ ગીત માટેનો જાવેદ અખ્તરનો કિસ્સો બહુ ફેમસ છે. આ ગીતની રચના થઈ ત્યારથી જ તે પ્રખ્યાત થશે તે નક્કી હતું. આ ગીતની રચના સાથે સંકળાયેલ દરેક જણ આ ગીતની સફળતા માટે નિશ્ચિત હતા. આ ગીત અભિનેત્રી માધુરી દિક્ષીત માટે બનાવાયું હતું. આ ગીતે જ માધુરીને સ્ટારડમ અપાવ્યું હતું. જો કે ફિલ્મ નિર્માણની મધ્યમાં ફિલ્મના નાયક અનિલ કપૂરે જાવેદ અખ્તરને ખાસ વિનંતી કરી કે મારા પાત્ર માટે પણ આ જ ગીતનું મેલ વર્ઝન લખો. જાવેદ અખ્તરે શરુઆતમાં તો આનાકાની કરી પણ અનિલ કપૂરની મક્કમ માંગણી સામે તેમણે જુકવું પડ્યું. આ ફિલ્મનું ઘણું નિર્માણ પૂર્ણ થઈ ગયા બાદ જાવેદ અખ્તરે અનિલ કપૂર માટે એક દો તીન ચાર...ગીતનું મેલ વર્ઝન લખ્યું. આ મેલ વર્ઝન પણ ખૂબ હિટ થયું હતું.