શ્રીનગરઃ આજે જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. કાશ્મીર પોલીસે પોતાના એક્સ હેન્ડલ પર આ ગોળીબાર દરમિયાન જે એન્ડ કે પોલીસ અને લશ્કરના જવાન ઘાયલ થવાની માહિતી પોસ્ટ કરવામાં આવી છે. હાલ્લોરમાં થયેલ એક અન્ય એક ગોળીબારમાં પોલીસ અને સેનાના જવાન ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે. આ ઘાયલ જવાનોને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળવાથી તેમની સ્થિતિ સુધારા પર છે.
જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુંઃ આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા જ સઘન શોધખોળ કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન સ્ટેટ પોલીસ, આર્મી અને સીઆરપીએફનું સંયુક્ત ઓપરેશન હતું. આ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. વળતા જવાબમાં જવાનો દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં એક આતંકવાદી માર્યો ગયો છે.
સામાન છોડી આતંકીઓ જંગલમાં ભાગ્યાઃ આતંકવાદીઓ આ ગોળીબારથી ડરી ગયા અને ગાઢ જંગલમાં ક્યાંક નાસી છુટ્યા હતા. આતંકવાદીઓ પોતાનો સામાન જંગલમાં જ મૂકીને જતા રહ્યા છે. ભારતીય જવાનોએ આ સામાન જપ્ત કર્યો છે. ભાગેલા આતંકવાદીઓને શોધવા માટે સઘન તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે.
રજૌરીમાં પણ ગોળીબારઃ જમ્મુ કાશ્મીરના રજૌરી જિલ્લામાં નરલા ગામે મંગળવારે આંતકવાદીઓ અને ભારતીય જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબાર બુધવારે પણ ચાલું રહ્યો હતો. આ ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો. જ્યારે એક આતંકવાદી ઠાર મરાયો છે. બુધવારે થયેલા ગોળીબારમાં એક સુરક્ષાકર્મી ઘાયલ પણ થયો છે. જેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી છે. આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારતીય જવાનો ખડે પગે આ વિસ્તારની સુરક્ષા અને આતંકવાદીઓની શોધખોળ કરી રહ્યા છે.
- જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર, બે આતંકવાદીઓ થયા ઢેર
- પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદીની ધરપકડ