પૂંચ/જમ્મુ :રવિવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) ની પાર 17 કિલો માદક દ્રવ્યોની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરવામાં આવ્યો હતો અને અન્ય બેની ધરપકડ કરવામાં આવી હતી. સંરક્ષણ પ્રવક્તાએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેનાના જવાનોએ શાહપુર સેક્ટરમાં ઘૂસણખોરો વિરુદ્ધ આ કાર્યવાહી કરી. તેમણે જણાવ્યું કે ઘૂસણખોરો પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POJK)ના ચંજલ ગામના રહેવાસી છે.
ઘૂસણખોરોએ અડધી રાત્રે એલઓસી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો : જમ્મુમાં સેનાના જનસંપર્ક અધિકારી, લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, સૈનિકોએ શનિવારે રાત્રે 10.15 વાગ્યે પૂંચમાં નિયંત્રણ રેખા પર સરહદની વાડની નજીક ઘૂસણખોરોની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. તેણે કહ્યું કે, 'ઘૂસણખોરોએ અડધી રાત્રે એલઓસી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. મુસ્તાદ જવાન ઘુસણખોરોના જૂથ પર સતત નજર રાખી રહ્યા હતા. ઘૂસણખોરોને ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા જોઈને જવાનોએ રાત્રે 2 વાગે તેમને પડકાર ફેંક્યો હતો.
ઘૂસણખોરનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો હતો : ઘૂસણખોરો ભાગવા લાગ્યા કે, તરત જ તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. જ્યારે તેમાંથી એકને ગોળી મારી દેવામાં આવી હતી, જ્યારે અન્ય બે અંધારા, ગાઢ જંગલ અને ખડકોનો લાભ લઈને જંગલમાં ભાગી ગયા હતા, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. લેફ્ટનન્ટ કર્નલ આનંદે જણાવ્યું હતું કે, "ઘૂસણખોરો ભાગી ન શકે તે માટે વિસ્તારને તાત્કાલિક કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં માર્યા ગયેલા ઘૂસણખોરનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો હતો."