- દિલ્હીમાં દેશનું પહેલું સ્મોગ ટાવર બનાવવામાં આવ્યું
- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કર્યું ઉદ્ઘાટન
- 14 કરોડ રૂપિયાનો ખર્ચ, 24 મીટર ઊંચું અને 5000 ફિલ્ટર્સ
- ટાવરમાં લાગેલા 40 પંખા પ્રતિ સેકન્ડે 25 ઘન મીટર સ્વચ્છ હવા બનાવશે
દુનિયાભરના અનેક દેશોની સાથે ભારત માટે પણ વધતું પ્રદૂષણ મોટી સમસ્યાઓમાંની એક છે. દેશની રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેર દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દર વખતે જગ્યા બનાવે છે. આ દરમિયાન દિલ્હીમાં દેશનું પહેલું સ્મોગ ટાવર બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે પ્રદૂષિત હવા શુદ્ધ થશે અને પ્રદૂષણનું સ્તર ઓછું થશે. હવે તમારા મનમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો હશે કે આ સ્મોગ ટાવર શું છે? આ શું કામ આવે છે? આવા તમામ પ્રશ્નોનો જવાબ તમને મળશે ઈટીવી ભારતના આ એક્સપ્લેનરમાં.
સ્મોગ ટાવર વિશે જાણો
સ્મોગ ટાવરને એક મોટું એર પ્યુરીફાયર કહી શકાય, જે હવાને સ્વચ્છ કરે છે. દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા માટે દેશનું પહેલું સ્મોગ ટાવર દિલ્હીના કનોટ પ્લેસમાં લગાવવામાં આવ્યું છે, જેને ટાટા પ્રોજેક્ટ્સે બનાવ્યું છે. લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ સ્મોગ ટાવર 24 મીટર ઊંચું છે, જેમાં સૌથી વધારે 6 મીટરનો ઝરૂખો બનાવવામાં આવ્યો છે જ્યાંથી પ્રદૂષિત હવા ટાવરમાં પહોંચશે. ટાવરની વચ્ચેવાળા ભાગની અંદર 2 સ્તરોમાં 5000 ફિલ્ટર લાગ્યા છે અને ટાવરના સૌથી નીચેના ભાગમાં તમામ તરફ 10-10ના હિસાબે કુલ 40 પંખા લાગ્યા છે.
આવી રીતે કામ કરે છે સ્મોગ ટાવર કેવી રીતે કામ કરે છે?
જાણકારી પ્રમાણે આ ટાવરમાં અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટી દ્વારા વિકસિત એર ક્લિનિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાવરના સૌથી ઉપરના ભાગથી પ્રદૂષિત હવા ટાવરની અંદર પહોંચે છે. ટાવરની વચ્ચે લાગેલા 5000 ફિલ્ટર્સ એ હવાને સ્વચ્છ કરે છે અને સૌથી નીચે લાગેલા પંખાના સહારે સ્વચ્છ હવા બહાર નીકળે છે. ટાવરના નીચેના ભાગમાં લાગેલો દરેક પંખો પ્રતિ સેકન્ડ 25 ઘન મીટર સ્વચ્છ હવા ફેંકી શકે છે. આ હિસાબે 40 પંખા એક સેકન્ડમાં કુલ 1000 ઘન મીટર સ્વચ્છ હવા ફેંકે છે.
આટલી છે સ્મોગ ટાવરની ખાસિયતો દિલ્હીમાં લાગેલા સ્મૉગ ટાવરની ખાસ વાતો
- કૉંક્રિટ અને સ્ટીલથી બન્યો છે 24 મીટર ઊંચો સ્મૉગ ટાવર
- એક કિલોમીટરના અંતરમાં પ્રદૂષિત હવા ખેંચશે અને ફિલ્ટર્ડ હવા છોડશે
- સ્મૉગ ટાવરમાં લાગ્યા છે 5000 ફિલ્ટર
- ટાવરના નીચેના ભાગમાં 40 પંખા લાગ્યા છે
- 40 પંખાથી 1 સેકન્ડમાં 1000 ક્યુબિક મીટર શુદ્ધ હવા મળશે
પ્રદૂષણ ઓછું કરવાનો પ્રયત્ન છે સ્મૉગ ટાવર
આ સ્મૉગ ટાવર આસપાસના એક કિલોમીટરના અંતરની પ્રદૂષિત હવાને ખેંચશે અને પછી તેને સ્વચ્છ કરશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ એક પ્રયોગ છે જે સફળ રહ્યો તો આ પ્રકારના અનેક સ્મૉગ ટાવર દિલ્હીમાં લગાવવામાં આવશે. આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી બૉમ્બેના લોકો આ ડેટાનું વિશ્લેષણ કરશે અને એ જણાવશે કે આ સ્મૉગ ટાવર પ્રદૂષિત હવાને શુદ્ધ કરવામાં કેટલા કારગર છે.
શું પ્રદૂષણની સામે કારગર છે સ્મૉગ ટાવર?
નિષ્ણાતો પ્રમાણે સ્મૉગ ટાવર લગાવવું એક ખર્ચાળ વિચાર છે, જેનાથી તાત્કાલિક સમાધાન તો મળશે પરંતુ આ લાંબા સમય સુધી પ્રદૂષણ વિરુદ્ધ કારગર સાબિત થશે તેનો કોઈ પુરાવો નથી. જાણકારો કહે છે કે સરકારોએ પ્રદૂષણના મૂળ કારણોને પહોંચી વળવાની યોજના બનાવવી જોઇએ.
નિષ્ણાતોનો મત છે કે સ્મૉગ ટાવર કેવી રીતે અને કેટલા અસરકારક છે તેના પર નજર રાખ્યા બાદ આનાથી જોડાયેલા આંકડા અને જાણકારી સાર્વજનિક કરવી જોઇએ. આા સફળ થયા બાદ જ બીજા રાજ્યો અથવા શહેરોએ આ તરફ પગલાં વધારવા જોઇએ. નિષ્ણાતોની એક પેનલે અનુમાન લગાવ્યું હતું કે દિલ્હીના પ્રદૂષણને જોતાં રાજધાનીમાં 200થી વધારે સ્મૉગ ટાવરોની જરૂરિયાત પડશે, જે ઘણું ખર્ચાળ પણ છે અને સમસ્યાનું સ્થાયી સમાધાન પણ નથી.
સ્મોગ ટાવરમાં લાગ્યાં છે આવા 40 પંખા ચીને હવાના પ્રદૂષણ પણ કાબૂ કઈ રીતે મેળવ્યો?
આજથી લગભગ 10 વર્ષ પહેલાં સુધી ચીનના મોટાભાગના શહેરોની હવાના પ્રદૂષણનું સ્તર નક્કી કરવામાં આવેલા માપદંડોથી અનેકગણું વધારે હતું. ત્યારે બેઇજિંગ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું અને ચીનના કેટલાક અન્ય શહેરો પણ આ યાદીમાં હતાં પરંતુ ચીને વર્ષ 2012-13માં પ્રદૂષણની વિરુદ્ધ જંગનું એલાન કર્યું. આજે ચીનના મોટાભાગના શહેરોની હવા શુદ્ધ થઈ ચૂકી છે, પરંતુ આ ફક્ત સ્મૉગ ટાવર અને મોટામોટા એરપ્યુરિફાયર લગાવવાથી શક્ય નથી થયું. ચીને એવી નીતિઓ બનાવી જેનાથી આ સંભવ થયું.
- પ્રદૂષણ ફેલાવનારા કારખાના બંધ કર્યા અથવા તેને અન્ય ખાસ સ્થાને શિફ્ટ કર્યાં
- કોલસાનો ઉપયોગ ઘણો જ ઓછો કરી દીધો
- ખખડેલા અને ધૂમાડા કાઢતાં વાહનોને રસ્તાથી હટાવ્યા
- બેઇજિંગ અને શાંઘાઈ જેવા પ્રદૂષિત શહેરોના રસ્તાઓથી કારોની સંખ્યા ઓછી કરવામાં આવી
- શહેરોમાં મોટામોટા એર પ્યુરિફાયર અથવા સ્મૉગ ટાવર લગાવવામાં આવ્યાં
- મોટા પ્રમાણમાં વૃક્ષ લગાવવામાં આવ્યા
- મોટા શહેરોમાં લો કાર્બન પાર્ક બનાવવામાં આવ્યાં એટલે કે એવા સ્થાનો જ્યાંથી ઓછા કાર્બનનું ઉત્સર્જન થાય
- અનેક કોલસા કારખાના બંધ કરવામાં આવ્યાં, કોલસા આધારિત નવા પ્લાન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
શું સ્મોગ ટાવર લગાવી દેવાથી પ્રદૂષણ ઓછું થઈ જશે?
14 કરોડનો એકમાત્ર સ્મૉગ ટાવર પર્યાપ્ત નથી
દિલ્હીમાં લાગેલો 14 કરોડનો સ્મૉગ ટાવર એક પહેલ અથવા એક પ્રયોગ હોઈ શકે છે, પરંતુ ચીનનું ઉદાહરણ દર્શાવે છે કે ફક્ત શહેરોમાં મોટામોટા એર પ્યુરિફાયર અથવા સ્મૉગ ટાવર લગાવવાથી પ્રદૂષણ ઓછું નહીં થાય. કેમકે ચીને દિલ્હીમાં લાગેલા સ્મૉગ ટાવરથી અનેકગણાં ઊંચા એર પ્યુરિફાયર લગાવ્યાં હતાં. ક્યારેક દુનિયાના સૌથી પ્રદૂષિત શહેર રહેલા બેઇજિંગમાં ચીને 330 ફૂટ ઊંચા એર પ્યુરિફાયર લગાવ્યું હતું. દિલ્હીમાં લોકો સ્મૉગ ટાવર એક કિલોમીટરની હવાને પ્રભાવિત કરે છે, જ્યારે ચીને કેટલાય કિલોમીટર સુધી અસર કરનારા એર પ્યુરીફાયર લગાવ્યાં હતાં.
ચીનનું ઉદાહરણ અને નિષ્ણાતોનું મંતવ્ય એક જ ઇશારો કરે છે કે પ્રદૂષણ પર ગાળીયો કસવા માટે સખ્ત નિયમો અને નીતિઓ બનાવવી પડશે અને તેનું કડકાઈથી પાલન પણ કરાવવું પડશે. સ્મૉગ ટાવર એક પાયલટ પ્રોજેક્ટ તરીકે યોગ્ય છે, પરંતુ લાંબા સમયના પરિણામ મેળવવા માટે પ્રદૂષણના મૂળ કારણો પર કામ કરવાનું રહેશે.
પ્રદૂષણ અટકાવવા ઉઠાવવા પડશે આકરા પગલાં
અનેક જાણકારો દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવેલી ઑડ ઈવન યોજનાને સારું પગલું માને છે, જેનાથી રોડ પર વાહનોની સંખ્યા ઓછી થઈ અને પ્રદૂષણનું સ્તર ઓછું થયું. આ જ રીતે કોલસા જેવા ઊર્જાના સ્ત્રોતોની જગ્યાએ સૌર ઊર્જા પર નિર્ભરતા વધારવાથી લઇને વૃક્ષો લગાવવા સુધીના અનેક એવા કામો કરવાના રહેશે જેનાથી આવનારા વર્ષોમાં પ્રદૂષણનું સ્તર ઓછું થાય. આ પ્રકારની પહેલ માટે જલદી પગલાં ઉઠાવવા પડશે, કેમકે ચીને ભલે પ્રદૂષણનું સ્તર એક હદ સુધી ઓછું કરવામાં સફળતા મેળવી લીધી હોય, પરંતુ પ્રદૂષણની વિરુદ્ધ તેનું યુદ્ધ એક દાયકા બાદ પણ ચાલુ છે.
આ પણ વાંચોઃ CCTV કેમેરાની દ્રષ્ટિએ દિલ્હી વિશ્વનું નંબર 1 શહેર બન્યું, ન્યૂયોર્ક-શાંઘાઈ રહ્યા પાછળ - કેજરીવાલ
આ પણ વાંચોઃ દિલ્હી: કોડરમા પાવર પ્લાન્ટમાં અકસ્માત, 4 ના મૃત્યુ