- રાજ્યમાં દારુબંધીના કાયદાને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ
- દારુબંધીના કાયદાને લગતી તમામ માહિતી, મેળવો એક ક્લિકમાં
- ગુજરાત હાઈકોર્ટ આગામી સુનવણી 12 ઓક્ટોબરના રોજ કરશે
ન્યૂઝ ડેસ્ક: શું દારુ પીવું એ એક અધિકાર છે? આ પ્રશ્ન દારુબંધીના કાયદાને લઈને ગુજરાતમાં ઉઠવા પામ્યો છે. કદાચ આ અહેવાલ વાંચ્યા બાદ તમારા મનમાં પણ આ પ્રશ્ન ઉભો થશે. કારણ કે, તેને લગતી અરજી ગુજરાત હાઈકોર્ટે સ્વિકારી છે અને થોડા સમયમાં જ તેના પર સુનવણી શરૂ થશે.
શું છે સમગ્ર મામલો ?
ગોપનિયતાના અધિકાર (Right to Privacy) ને આધાર બનાવીને ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં દારુબંધીના કાયદાને ગોપનિયતાના અધિકારનું હનન ગણાવવામાં આવ્યો છે. કોર્ટ આ મામલે સુનવણી કરે કે નહીં, તેને લઈને પણ હાઈકોર્ટમાં ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગુજરાત સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ થવી જોઈએ, પરંતુ હાઈકોર્ટે ગુજરાત સરકારની આ અરજી રદ્દ કરી દીધી હતી અને દારુબંધીના કાયદાના વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુનવણી માટે તૈયાર થયા હતા. જેની આગામી સુનવણી 12 ઓક્ટોબરના રોજ થશે.
અરજીમાં શું જણાવવામાં આવ્યું છે?
- દારુબંધીના વિરુદ્ધમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘરની ચાર દિવાલોમાં લોકો શું ખાય છે, શું પીવે છે? સરકાર તેના પર રોક લગાવી શકે નહીં. અરજીમાં એ પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે, જે રાજ્યોમાં દારુબંધી નથી, ત્યાંથી જો કોઈ દારુ પીને આવે તો તેની સામે કાર્યવાહી કરવી કેટલી યોગ્ય છે?
- અરજદારના જણાવ્યા પ્રમાણે, દારુબંધીનો ઉદ્દેશ્ય શું છે, તેનો કાયદામાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. જોકે, કોર્ટમાં સરકાર તરફથી આ બાબતને નાગરિકોના સ્વાસ્થ્યના સંદર્ભમાં ગણાવવામાં આવી હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંદાજે 7 કરોડની વસતીમાંથી 21 હજાર લોકોને દારુ માટે પરમીટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિઝીટર અને ટૂરિસ્ટ પરમીટ જેવી અસ્થાયી પરમીટ 66 હજાર લોકોને આપવામાં આવી છે.
ગોપનિયતા, સમાનતા અને દારુ
- હકીકતમાં, ગુજરાત હાઇકોર્ટમાં આવી ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જે રાજ્યમાં દારૂ બનાવવા, વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવતા પ્રોહિબિશન એક્ટ 1949 ને પડકાર આપે છે. જેમાં, દારૂબંધીને સમાનતાનો અધિકાર અને ગોપનીયતાના ઉલ્લંઘન તરીકે વર્ણવવામાં આવ્યું છે.
- અરજીઓના જવાબમાં રાજ્ય સરકારનું કહેવું છે કે, વર્ષ 1951માં સુપ્રીમ કોર્ટે દારૂબંધી કાયદો માન્ય રાખ્યો હતો. જેના પર અરજદારો તરફથી કહેવામાં આવ્યું હતું કે, ગોપનીયતાનો અધિકાર તે સમયે નહોતો. સુપ્રીમ કોર્ટે વર્ષ 2017માં ગોપનિયતાનો અધિકાર આપ્યો છે અને આ પ્રતિબંધ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.