મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2022) મેચમાં શુક્રવારે ગુજરાત ટાઈટન્સની ટીમ પંજાબ કિંગ્સ સામે મેદાનમાં ઉતરશે, ત્યારે શાનદાર લયમાં ચાલી રહેલા તેના ઝડપી બોલરોને વિરોધી ટીમના આક્રમક બેટ્સમેનો પડકાર આપશે. ટીમની રચના અને સંતુલન જોતા ગુજરાત અને પંજાબ વચ્ચે ઘણો તફાવત છે. આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. જ્યાં પિચ ઘણા રન માટે જાણીતી છે. બીજી તરફ ગુજરાત એકમાત્ર એવી ટીમ છે જે આ સિઝનમાં એકપણ મેચ હાર્યું નથી. બંને ટીમો વચ્ચે શુક્રવારે સાંજે 7.30 વાગ્યાથી મેચ રમાશે. મેચની ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે.
આ પણ વાંચો:IPL 2022,15th Match: દિલ્હીએ લખનઉને જીત માટે આપ્યો 150નો લક્ષ્યાંક
મોહમ્મદ શમી અને ફર્ગ્યુસનની ફાસ્ટ બોલિંગ જોડી : બાઉન્સથી દિલ્હી કેપિટલ્સના મનદીપ સિંહને ડરાવનાર ફર્ગ્યુસન આ વખતે લિવિંગસ્ટોન સામે આ કામ કરવા ઈચ્છશે. લિવિંગસ્ટોને ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોને ફૂંકી મારતા 32 બોલમાં 60 રનની ઈનિંગ રમી હતી. વર્તમાન IPL સિઝનના પ્રથમ બે સપ્તાહમાં મોહમ્મદ શમી અને ફર્ગ્યુસનની ફાસ્ટ બોલિંગ જોડી સૌથી અસરકારક સાબિત થઈ છે. પંજાબના મુખ્ય કોચ અનિલ કુંબલે પાવરપ્લે ઓવરો દરમિયાન ટીમને નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના ઘડી કાઢવા માંગે છે.
હાર્દિક પંડ્યાના બોલની સ્પીડ 140 સુધી પહોંચી : ગુજરાતનો સુકાની હાર્દિક પંડ્યા ફરીથી પુરી તાકાતથી બોલિંગ કરી રહ્યો છે અને તેના બોલની સ્પીડ 140 સુધી પહોંચી રહી છે. રાશિદ ખાન જેવા સ્પિનરની હાજરીથી ગુજરાતનું આક્રમણ મજબૂત બની રહ્યું છે. જો કે, ટીમની નબળી કડી બેટિંગ છે, જ્યાં શુભમન ગિલ અને પંડ્યા સિવાય અન્ય કોઈ રન બનાવી શક્યું નથી. પંજાબ માટે અનુભવી ઓપનર શિખર ધવન અને સુકાની અગ્રવાલે અત્યાર સુધી ખાસ યોગદાન આપ્યું નથી. પરંતુ તેઓ ગુજરાત સામે ગતિ શોધવા ઈચ્છશે.