બલિયા/લખનૌ:પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર અને સોલ્યુશન પેપર વાયરલ થયા બાદ યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ અંગ્રેજી વિષયની પરીક્ષા રદ (Up English Exam Cancel) કરવામાં આવી છે. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી યોજાવાની હતી. યુપીના 24 જિલ્લાઓની ઇન્ટરમીડિયેટ પરીક્ષા રદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પેપર લીક (Up Exam Paper Leak) મામલે એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ તપાસના આદેશ આપ્યા છે.
પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય: ખરેખર, બુધવારે યુપી બોર્ડની 12માની અંગ્રેજી ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થઈ ગયું છે. આ પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થવાની હતી. પેપર લીક થયા બાદ પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ સેટના પેપરનું 24 જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ જિલ્લાઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં ઇન્ટરમીડિયેટ પરીક્ષા લેવામાં આવશે.
પ્રશ્નપત્રનું 24 જિલ્લામાં વિતરણ: માધ્યમિક શિક્ષણ નિયામક વિનય કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, બલિયા જિલ્લામાં બુધવારે ઇન્ટરમીડિયેટ અંગ્રેજી વિષયની શ્રેણી-316 ED અને 316EIનું પ્રશ્નપત્ર બીજી પાળીમાં લીક થવાની માહિતી સામે આવી છે. આ શ્રેણીના પ્રશ્નપત્રનું 24 જિલ્લામાં વિતરણ થવાનું હતું. જેના કારણે આ જિલ્લાઓના તમામ પરીક્ષા કેન્દ્રોની બીજી શિફ્ટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ 24 જિલ્લાઓને બાદ કરતાં બાકીના જિલ્લાઓમાં બીજી પાળીના ઇન્ટરમીડિયેટના અંગ્રેજી વિષયની પરીક્ષાઓ લેવામાં આવશે.
આ પણ વાંચો:ફરી એકવાર ગુજરાતના બેરોજગાર યુવાનોનું નસીબ ફૂટ્યું છે: ગોપાલ ઈટાલિયા