ન્યુઝ ડેસ્ક:હિન્દુ ધર્મમાં એકાદશીને વિશેષ મહત્વ (Significance of Ekadashi in Hinduism) આપવામાં આવ્યું છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. ભાદરવા મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને ઈન્દિરા એકાદશી કહે છે. આ એકમાત્ર એકાદશી છે જે પિતૃ પક્ષમાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવા જેવું જ ફળ મળે છે. તેથી, અન્ય એકાદશી વ્રતની સરખામણીમાં ઈન્દિરા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ બને છે. જેઓ પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કોઈપણ કારણથી કરી શકતા નથી તેમણે ઇન્દિરા એકાદશીનું વ્રત અવશ્ય રાખવું.
ઈન્દિરા એકાદશીનો ઉપવાસ ક્યારે રાખવો ?:ઈન્દિરા એકાદશી વ્રત દર વર્ષે ભાદરવા મહિનાની વદ એકાદશી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે આ ઉપવાસ 21 સપ્ટેમ્બર 2022ના રોજ રાખવામાં આવશે. એકાદશી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ભાદરવા વદ એકાદશી તિથિ 20 સપ્ટેમ્બર, મંગળવારના રોજ રાત્રે 09:26 PM થી શરૂ થઈને બીજા દિવસે, 21 સપ્ટેમ્બર, બુધવારે રાત્રે 11:34 PM પર સમાપ્ત થઈ રહી છે.