ચેન્નાઈ:ભારત અને મલેશિયા વચ્ચે મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ટાઈટલ મેચમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવ્યું. મલેશિયાએ રમતની શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું અને હાફ ટાઇમ સુધીમાં મલેશિયા ભારતથી 3-1થી આગળ હતું. ભારતે ત્રીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટોમાં બે શાનદાર ગોલ કરીને રમતમાં વાપસી કરીને સ્કોર 3-3ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ ચોથા હાફમાં આકાશદીપ સિંહના શાનદાર ગોલની મદદથી ભારતે મલેશિયાને 4-3થી હરાવીને રેકોર્ડ ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ મેચમાં હાર સાથે મલેશિયાનું પ્રથમ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
હાફ ટાઈમમાં ભારત મલેશિયાથી 1-3થી પાછળ:એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ફાઈનલના પ્રથમ હાફમાં ભારત મલેશિયાથી 1-3થી પાછળ હતું. ભારત તરફથી એકમાત્ર ગોલ જુગરાજ સિંહે 9મી મિનિટે કર્યો હતો. તે જ સમયે, મલેશિયા તરફથી અઝરાય અબુ કમલે 14મી મિનિટે, રહીમ રાઝીએ 18મી મિનિટે અને મુહમ્મદ અમીનુદ્દીને 28મી મિનિટે ગોલ કર્યા હતા. મલેશિયાએ હાફ ટાઈમ સુધી ખૂબ જ આક્રમક રમત દેખાડી અને તે ભારતીય ટીમ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી દીધું.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે 3-3થી બરાબરી કરી: ત્રીજા ક્વાર્ટરની છેલ્લી 1 મિનિટમાં ભારતે બે ગોલ કરીને રમત 3-3ની બરાબરી કરી હતી. ભારતને 44મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેના પર ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર ગોલ કરીને સ્કોર 2-3 કરી દીધો. ત્યાર બાદ થોડી સેકન્ડ બાદ ગુરજંત સિંહે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 3-3 કરી દીધો હતો.