અમેરિકા : US અને ભારતે શુક્રવારે પોલ્ટ્રી ઉત્પાદનો પર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં છેલ્લા બાકી રહેલા વિવાદના સમાધાનની જાહેરાત કરી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલયના જણાવ્યા અનુસાર ભારત યુએસ માલ પર ટેરિફ ઘટાડવા સંમત થયું છે. જેમાં ફ્રોઝન ટર્કી, ફ્રોઝન ડક્સ, તાજા અને ફ્રોઝન બ્લૂબેરી અને ક્રેનબેરી, સૂકા અને પ્રોસેસ્ડ બ્લૂબેરી અને ક્રેનબેરી અને તાજા અને ફ્રોઝન ક્રેનબેરી સહિતની વસ્તુઓ સામેલ છે.
WTO વિવાદનું નિરાકરણ : એક સત્તાવાર માહિતી મુજબ યુએસ વેપાર પ્રતિનિધિ કેથરીન તાઈએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ભારત સાથેના તેમના છેલ્લા બાકી વિવાદનું સમાધાન કર્યું છે. જે અમુક કૃષિની આયાતને લગતા સમાધાન સંબંધિત હતો. આ ટેરિફ કટ મહત્વના બજારોમાં અમેરિકન કૃષિ ઉત્પાદકો માટે આર્થિક તકોનું વિસ્તરણ કરશે. આનાથી ભારતમાં વધુ અમેરિકન ઉત્પાદનો ગ્રાહકો સુધી લાવવામાં મદદ મળશે. G20 નેતાઓની સમિટ પૂર્વે શુક્રવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે US પ્રમુખ જો બાઈડનની મુલાકાતની અગાઉ જ આ જાહેરાત કરવામાં આવી હતી.
PM મોદીની યુએસ યાત્રા :આ વર્ષે ઓગસ્ટમાં G20 વેપાર અને રોકાણ મંત્રીઓની બેઠક બાદ રાજદૂત તાઈ સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ WTO મુદ્દા પર ચર્ચા કરી હતી. બંનેએ વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જૂનમાં પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન છેલ્લા 6 વિવાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ભારતે ચણા, કઠોળ, બદામ, અખરોટ, સફરજન, બોરિક એસિડ અને ડાયગ્નોસ્ટિક રીએજન્ટ્સ સહિત કેટલાક યુએસ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા માટે પણ સંમતિ દર્શાવી હતી.
આ છેલ્લા બાકી WTO વિવાદનું નિરાકરણ યુએસ-ભારત વેપાર સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નનું બની રહેશે. જ્યારે યુએસ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાથી યુએસ કૃષિ ઉત્પાદકો માટે બજારમાં વેપાર કરવાની તક વધે છે. આ જાહેરાત જૂનમાં વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રા અને રાષ્ટ્રપતિ બાઈડેનની આ અઠવાડિયે ભારતની મુલાકાત સાથે અમારી દ્વિપક્ષીય ભાગીદારીની મજબૂતાઈને રેખાંકિત કરે છે. હું અમારા લોકો માટે સમાવિષ્ટ આર્થિક તકો પૂરી પાડવા માટે પીયૂષ ગોયલે સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું. --કેથરીન તાઈ (US વેપાર પ્રતિનિધિ)
ભારત-યુએસ ભાગીદારી :અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓએ સંરક્ષણ ક્ષેત્રે સહયોગથી લઈને ટેકનોલોજી શેરિંગ સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જો બાઈડને ચંદ્રયાન 3 મિશનની સફળતા માટે ભારતને અભિનંદન પાઠવ્યા હતા. શુક્રવારે G20 સમિટ પહેલા બંને નેતાઓએ નવી દિલ્હીમાં PM આવાસ ખાતે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તન લાવવાનું કામ ચાલુ રાખવાનું આહ્વાન કર્યું હતું. બેઠક બાદ બંને નેતાઓએ ભારત-અમેરિકા સંબંધોની પ્રશંસા કરી અને કહ્યું કે, બંને દેશો વચ્ચેની મિત્રતા વૈશ્વિક સુખાકારીને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવશે.
જો બાઈડનની ભારત યાત્રા : આ પહેલા વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતા. જો બાઈડન અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં રાષ્ટ્રપતિ બાઈડનની દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ જૂન 2023માં વડાપ્રધાનની યુનાઇટેડ સ્ટેટ્સની ઐતિહાસિક રાજકીય યાત્રા બાદના વ્યાપક પરિણામોના અમલીકરણની દિશામાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. જેમાં ભારત-યુનાઇટેડ સ્ટેટ્સ ઇનિશિયેટિવ ફોર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી (ICET) પહેલ પણ સામેલ હતી.
G20 અધ્યક્ષપદ : બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, રોકાણ, શિક્ષણ, આરોગ્ય, સંશોધન, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગમાં સતત ગતિનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને નેતાઓનું માનવું છે કે, ભારત-અમેરિકાની ભાગીદારી માત્ર બંને દેશોના લોકો માટે જ નહીં પરંતુ વૈશ્વિક કલ્યાણ માટે પણ ફાયદાકારક છે. નરેન્દ્ર મોદીએ G20માં ભારતના અધ્યક્ષપદની સફળતાને સુનિશ્ચિત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી સતત મળતા સમર્થન માટે રાષ્ટ્રપતિ બાઈડનનો આભાર માન્યો હતો.
- G20 Summit Delhi : G20 સમિટમાં PM મોદીનું સંબોધન, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસનો મંત્ર આપ્યો
- Jugnauth congratulates PM Modi: મોરેશિયસના વડાપ્રધાને અવકાશ ક્ષેત્રમાં સહયોગની આશા વ્યક્ત કરી