- વેરાવળની બોટ 25 ઑક્ટોબરે નીકળી હતી દરિયો ખેડવા
- આંતરરાષ્ટ્રીય જળ સીમા પાસે પાકિસ્તાની એજન્સીએ કર્યું ફાયરિંગ
- ફાયરિંગમાં એક માછીમારનું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
ન્યૂઝ ડેસ્ક: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં નોંધાયેલી બોટ 'જલપરી' શનિવારે સાંજના સમયે અરબ સાગરમાં માછલી પકડી રહી હતી. તે સમયે પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા તેના પર ગોળીબાર કરવામાં આવતા બોટ પર હાજર 7 માછીમારો પૈકી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે ઓખા સ્થિત એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વેરાવળની બોટ પર પાકિસ્તાની જવાનોનું ફાયરિંગ: એકનું મોત-એક ઈજાગ્રસ્ત, ભારત સરકાર પાકિસ્તાન સામે મુદ્દો ઉઠાવશે પોરબંદરના નવા બંદર પોલીસ મથક દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી
દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ કહ્યું કે, પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સીના જવાનોએ શનિવારે સાંજે 'જલપરી' નામક બોટના ચાલક દળ પર ગોળીબાર કર્યો હતો. જેમાં મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતા શ્રીધર રમેશ ચામરે (ઉં.વ.32)નું મોત નિપજ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બોટ 25 ઑક્ટોબરના રોજ ઓખા બંદરેથી નીકળી હતી. જેના પર કુલ 7 લોકો સવાર હતા. આ 7 લોકો પૈકી 5 ગુજરાતના અને 2 મહારાષ્ટ્રના હતા. પોરબંદરના નવા બંદર પોલીસ મથક દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વેરાવળની બોટ પર પાકિસ્તાની જવાનોનું ફાયરિંગ એકનું મોત અને એક ઈજાગ્રસ્ત
કેન્દ્ર સરકારના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ભારતીય બોટ પર પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા વગર કોઈ કારણે ગોળીબાર કરવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આગામી દિવસોમાં આ મુદ્દાને રાજનૈતિક સ્તરે ઉઠાવવામાં આવશે. ભારતીય તટ રક્ષક (ICG) એ જાહેર કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યારના સમયે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને બોટમાં તે સમયે હાજર તમામ લોકોના નિવેદનો લેવાની સાથે સઘન પૂછપરછ હાથ ધરી રહી છે. તપાસ બાદ જ વધુ માહિતી બહાર આવી શકે તેમ છે. ICGએ ગોળીબાર થયો હોવાની અને તેમાં એકનું મોત અને એક ઈજાગ્રસ્ત થયો હોવાની પુષ્ટિ કરી હતી.
મૃતદેહ ઓખા બંદરે લાવવામાં આવ્યો
શ્રીધર ચામરેના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. માત્ર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ગામ શોકાતુર થઈ ગયું છે. રવિવારે શ્રીધરનો મૃતદેહ ઓખા બંદરે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી તે થોડા દિવસોમાં તેને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા તેમના પૈતૃક ગામ વડરાઈ ખાતે પહોંચાડવામાં આવશે.