કોરોના મહામારી અને તેના કારણે આવેલી આર્થિક કટોકટીના અભૂતપૂર્વ માર પછી ભારતની આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધારા તરફ આગળ વધી રહી છે. કોરોના ચેપના ફેલાવાની ગતિ પણ ધીમી પડી છે. સાથે જ રસી આપવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. તેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારાની આશા વધી રહી છે. કેટલાંક આંકડાં પણ એવું દેખાડી રહ્યા છે કે સ્થિતિમાં થોડો સુધારો આગળ પણ દેખાતો રહેશે.
દાખલા તરીકે ડિસેમ્બર 2020માં મેન્યુફેક્ચરિંગ કામકાજમાં વધારો દેખાતો રહ્યો હતો. ઉત્પાદનોના સંગ્રહની ગણતરી સાથે એકમોમાં ઉત્પાદન વધી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ માટેનો પરેચઝ મેનેજર્સ ઇન્ડેક્સ નવેમ્બરના 56.3થી થોડો એવો વધીને ડિસેમ્બરમાં 56.4 થયો હતો. બીજી બાજુ અર્થતંત્રમાં માગનું એક મહત્વનું ચિહ્ન ગણાતા પેસેન્જર વાહનોના વેચાણમાં પણ ડિસેમ્બર 2019ની સરખામણીએ ડિસેમ્બર 2020માં 14 ટકાનો વધારો નોંધાયો હતો.
આ તરફ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ ઐતિહાસિક 50,000નો આજ સુધીની સૌથી ઊંચી ટોચ પર પહોંચ્યો હતો. 21 જાન્યુઆરી 2021એ જોકે આ ટોચ પરથી હાલમાં તે નીચેની તરફ સરક્યો છે. એપ્રિલ 2020માં બજાર હતી તેમાં આ સીધો જ 70 ટકાનો વધારો છે, જે ખાસ્સો મોટો વધારો દેખાડે છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તેના હાલના મન્થલી બૂલેટીનમાં જણાવ્યું હતું કે ભારતીય અર્થંત્ર માટે સકારાત્મક સ્થિતિ છે. ભારતીય અર્થતંત્ર ‘V’ આકારની રિક્વરી તરફ છે એમ જણાવાયું હતું. ઉપર દર્શાવેલા ચિહ્નો અને બજારની તેજી બંને એક સમાન સ્થિતિ દર્શાવે છે. કોરોનાને કારણે કામકાજ બંધ થઈ ગયું હતું અને તેના કારણે 2020ના પ્રથમ ત્રિમાસિકમાં અર્થતંત્રનો વિકાસ માઇનસ 23.9 ટકા થઈ ગયો હતો. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ સૌથી તળિયાનો વિકાસ દર હતો.
અર્થતંત્રની બાબતમાં આ બધા હકારાત્મક ચિહ્નો આવકારદાયક છે, પરંતુ તેના કારણે હવે કશું કરવાની જરૂર નથી તેમ માનીને બેસી રહેવાની જરૂર નથી. સરકાર એમ માને કે અર્થતંત્રની ગાડી પાટે ચડી ગઈ છે અને અવરોધો દૂર કરવાની જરૂર નથી તેમ માનીને કોઈ કાર્યવાહી નહી કરે તો ગાડી ફરીથી પાડા પરથી ઉતરી પણ શકે છે.
કોરોના કાળ પછીનું બજેટ રજૂ થવાની તૈયારીમાં છે ત્યારે ભારતીય અર્થતંત્ર સામે હજી પણ કેવા પડકારો રહેલા છે તે સમજવાની જરૂર છે. આ મુદ્દાઓ એવા છે, જેના ઉકેલ માટે પગલાં લેવાની તાતી જરૂર છે.
ભારતીય અર્થતંત્ર સામેના પડકારો:
કોરોના સંકટ પછી આયોજન વિના લૉકડાઉન લાદી દેવાયું તેના કારણે અનેક લોકો માટે મુશ્કેલી સર્જાઈ હતી. તેના કારણે જુદા જુદા વર્ગો વચ્ચે આવકની અસમાનતા વધી છે. સમાજના જુદા જુદા વર્ગોની સ્થિતિ જુદી જુદી હતી અને તેના કારણે લૉકડાઉને અટકાવી દીધેલી આવકને કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. તેની સામે ધનિક વર્ગ માટે આવકની કોઈ મુશ્કેલી નહોતી અને તેમની કમાણી ચાલુ જ રહી હતી.
મજૂરોની મજૂરી બંધ થઈ ગઈ, નોકરિયાતના પગારો અટકી પડ્યા, તેની સામે બીજા ઉદ્યોગપતિઓ એવા પણ હતા જેમનો ધંધો ધમધમતો રહ્યો હતો. ઓક્ઝફામના રિપોર્ટમાં પણ અસમાનતા તરત દેખાઈ આવી છે. આ અહેવાલ અનુસાર કોરોના સંકટ વચ્ચે પણ ભારતના અજબપતિઓની સંપત્તિમાં 35 ટકાનો વધારો થઈ ગયો. દેશના ટોચના 100 ધનિક લોકોની સંપત્તિમાં અઢળક વધારો થયો. આ રકમ એટલી મોટી છે કે તેના આધારે 10 વર્ષ સુધી મનરેગા યોજના ચાલી શકે. ઉદ્યોગો વધારે કમાયા પરંતુ તેમની કમાણીમાંથી બીજાની રોજગારી વધી તેવું થયું નથી. અર્થતંત્રમાં ફરીથી ગતિ દેખાવા લાગી છે, પણ નોકરીઓમાં હજી કોઈ વધારો દેખાયો નથી. આજે પણ ઘણી કંપનીઓમાં કર્મચારીઓના પગારો ઘટાડેલા જ રખાયા છે. હજી પણ લોકોએ ઓછી આવકથી ચલાવતા રહેવું પડશે તો તેના કારણે અર્થતંત્રમાં માગ ફરી નીકળે તેવું શક્ય નહિ બને. માગ નહિ હોય તો હાલનો આર્થિક સુધારો લાંબો ચાલી શકશે નહીં.
બીજી સમસ્યા એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં મજૂરીના દરો સ્થગિત થઈ ગયેલા છે. 2014-15થી 2918-29 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં વિકાસ દર ઘટ્યો છે અને તેના કારણે લોકોની આવકમાં વધારો થઈ રહ્યો નથી. દેશના શ્રમિકોમાં આજેય 43 ટકા ગ્રામીણ વિસ્તારમાં કામ કરે છે. તેમની આવક સ્થગિત થઈ ગઈ હોવાના કારણે ગામડાંથી માગ વધી રહી નથી.
માગ ના હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદનોની માગ ઓછી થાય તેના કારણે શહેરી વિસ્તારોમાં કામ કરતા એકમો અને એમએસએમઇનું કામકાજ પણ ઓછું થઈ ગયું. એકમોમાં ઓછું ઉત્પાદન થાય ત્યારે કામદારોને કામ ના મળે અને એમએસએમઇમાં પણ કામદારોને મોટા પાયે છુટ્ટા કરવા પડ્યા છે.
આ રીતે શહેરી કામદારોની આવક પણ અટકી પડી એટલે તેમના તરફથી પણ માગ નીકળી નથી અને મંદી વધી છે. કોરોના સંકટના કારણે સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ હતી, કેમ કે રોજમદારોને ભગવાન ભરોસે છોડી દેવાયા હતા.
આ સ્થિતિમાંથી બહાર આવવા માટે ગ્રામીણ વિસ્તારમાં, કૃષિમાં અને એમએસએમઇ ક્ષેત્રમાં સ્થિતિ સુધારવાની તાતી જરૂર છે. આ બંને સેક્ટરમાં જ દેશના 80 ટકા કામદારો નભે છે તેથી તેમાં અગ્રતાના ધોરણે સુધારાની જરૂર છે.
ઉકેલ માટે શું કરી શકાય?
આવકમાં અસમાનતા માટે જરૂરી છે કે યુવાનો માટે રોજગારીની તકો ઊભી થાય અને આમ આદમીની આવક વધે. અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે માત્ર કોરોનાના કારણે લોકોની રોજગારી જતી રહી છે એવું નથી. દેશમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને લૉકડાઉનને કારણે સ્થિતિ તદ્દન કથળી ગઈ. બેરોજગારીના પાયામાં મૂળભૂત સમસ્યાઓ જ છે. તેને દૂર કરવાની જરૂર છે. બીજું કે ટૂંકા ગાળા માટે હાલના કામદારો અને નવા કામદારો નિમવામાં આવે તેને વેતન આપવાનું થાય તે માટે નાના એકમોને સબસિડી મળે તે માટે વિચારવું જોઈએ. થોડા સમયગાળા માટે પગારો માટેની સબસિડી આપવામાં આવે તો અનિશ્ચિતા ઓછી થશે અને આવકમાં થોડી સ્થિરતા આવશે.
બીજું કે અસંગઠિત ક્ષેત્રમાં રોજગારીની સ્થિતિ ક્યારનીય વકરેલી છે તેને સુધારવી જરૂરી છે. આજેય દેશના 97 ટકા કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવાની જરૂર છે અને તેમને ઝડપથી રોકડ સહાય મળે તેવું કરવાની જરૂર છે. રોકડ સહાયને કારણે કામદારોના જીવન સ્થિર થસે અને સાથોસાથ અર્થતંત્રમાં પણ પ્રાણ પુરાશે અને તેમાં સુધારો આગળ વધશે.
ગ્રામીણ ક્ષેત્રમાં સહાયને ધ્યાનમાં રાખીને મનરેગામાં વધારે ફાળવણી કરવાની જરૂર છે. કૃષિ ક્ષેત્રની ફાળવણી વધારવી પણ જરૂરી છે. ગ્રામીણ વિસ્તારમાં આવક વધશે તો જ માગ નીકળશે અને તો જ અર્થતંત્રમાં સુધારો આગળ વધી શકશે. 2020-21ના વર્ષમાં નાણાકીય ખાધ વધીને 6.2થી 6.5 ટકા થવાનો અંદાજ છે. તેના કારણે સરકારે ખર્ચ કરવાનું માંડી વાળી દેવું જોઈએ નહિ. હાલમાં મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે નાણાકીય ખાધ વધવાની ચિંતા કર્યા વિના સરકારે વ્યય કરવાની જરૂર છે. મુશ્કેલ સ્થિતિમાં મુશ્કેલ નિર્ણયો લેવા જરૂરી હોય છે.
ભારતમાં આર્થિક સ્થિતિમાં સુધારાની શરૂઆત, પણ હજીય પડકારો છે - economic growth
કોરોના મહામારી અને તેના કારણે આવેલી આર્થિક કટોકટીના અભૂતપૂર્વ માર પછી ભારતની આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધારા તરફ આગળ વધી રહી છે. કોરોના ચેપના ફેલાવાની ગતિ પણ ધીમી પડી છે. સાથે જ રસી આપવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. તેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારાની આશા વધી રહી છે. કેટલાંક આંકડાં પણ એવું દેખાડી રહ્યા છે કે સ્થિતિમાં થોડો સુધારો આગળ પણ દેખાતો રહેશે.
ભારતમાં આર્થિક સ્થિતિમાં સુધારાની શરૂઆત, પણ હજીય પડકારો છે
-ડૉ. મહેન્દ્ર બાબુ કુરુવા
લેખક એચ. એન. બી. ગઢવાલ સેન્ટ્રલ યુનિવર્સિટી, ઉત્તરાખંડમાં વાણિજ્ય વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.