- CBIએ અખાડા પરિષદના પૂર્વ અધ્યક્ષ નરેન્દ્રગિરિ મહારાજના શિષ્ય આનંદગિરિની હરિદ્વારના આશ્રમમાં 8 કલાક પૂછપરછ કરી
- CBIએ એક લેપટોપ અને મોબાઈલ પણ કબજે કર્યો હતો. આ સાથે જ CBIએ CCTV પણ તપાસ્યા હતા
- CBIએ આનંદગિરિને મોબાઈલ વેચનારા વેપારીની પણ પૂછપરછ કરી
હરિદ્વારઃ મહંત નરેન્દ્રગિરિ મોતના કેસ મામલે તપાસ કરવા માટે CBIની ટીમ આનંદગિરિની સાથે હરિદ્વારમાં આવેલા આશ્રમે પહોંચી હતી. અહીં આનંદગિરિએ મીડિયાને કહ્યું હતું કે, હેરાન થવાની જરૂર નથી. CBI તપાસમાં સત્ય સામે આવશે. આ પહેલા ધરપકડ દરમિયાન આનંદગિરિએ સત્યમેવ જયતે કહ્યું હતું. તો CBIની 8 કલાક ચાલેલી પૂછપરછ દરમિયાન હરિદ્વારના એક વેપારીને પણ આશ્રમમાં બોલાવવામાં આવ્યા હતા. જોકે, CBIએ આ વેપારીની 20 મિનીટ સુધી પૂછપરછ કરી હતી. વેપારીનું કહેવું હતું કે, તેમણે 1 મહિના પહેલા આનંદગિરિને એક મોબાઈલ વેચ્યો હતો, જેના કારણે CBIએ તેમને બોલાવ્યા હતા.
સમગ્ર ઘટનાક્રમ: સૌપ્રથમ CBIની ટીમ આનંદગિરિને પ્રયાગરાજથી લઈને સાંજે 5.30 વાગ્યે ઝૌલીગ્રાન્ટ એરપોર્ટ (Zoligrant Airport) પહોંચી હતી. ત્યાંથી CBI આનંદગિરિને કારથી લઈ હરિદ્વાર શ્યામપુરમાં આવેલા તેમના આશ્રમ સાંજે 7.05 વાગ્યે પહોંચી હતી. સાંજે 7 વાગ્યાથી CBIની ટીમના 12 સભ્યો 4 ઈનોવા ગાડીમાં ઝોલીગ્રાન્ટ એરપોર્ટથી સીધા આનંદગિરિના આશ્રમ ગંગા વિક્રમ આશ્રમ પહોંચ્યા હતા. CBIની ટીમ પહોંચતા આશ્રમમાં લાગેલા હરિદ્વાર રૂરકી ડેવલપમેન્ટ ઓથોરિટીના સીલને ઓથોરિટી (Haridwar Roorkee Development Authority)ના કર્મચારીઓએ હટાવી દીધું હતું. ત્યારબાદ CBIની ટીમના તમામ સભ્યોએ આશ્રમમાં પ્રવેશ કર્યો હતો.
આશ્રમની લાઈટ ફરી શરૂ કરાઈઃઆશ્રમમાં લાઈટ કટ હોવાના કારણે કેબલ મગાવીને ઈલેક્ટ્રિશિયનના માધ્યમથી લાઈટ શરૂ કરાવવામાં આવી હતી. ત્યારબાદ CBIની તપાસનો સિલસિલો શરૂ થયો હતો, જે 8 કલાક સુધી ચાલ્યો હતો. CBIની ટીમે હરિદ્વાર પહોંચવાની સૂચના પર સીઓ સિટી અભયસિંહના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસબળ આશ્રમની બહાર તહેનાત કર્યું હતું. આપને જણાવી દઈએ કે, નરેન્દ્રગિરિની શંકાસ્પદ મોત પછી આનંદગિરિના આશ્રમને હરિદ્વાર રૂરકી ડેવલપમેન્ટ ઓથોરિટીએ સીલ કરી દીધો હતો.
આશ્રમથી લેપટોપ અને મોબાઈલ કબજે કરાયાઃટીમને લીડ DIG રેન્કના અધિકારી કરી રહ્યા છે. ધરપકડ કરાયેલા આનંદગિરિ સંતની વેશભૂષામાં જોવા મળ્યા હતા. લગભગ 7 વાગ્યે પહોંચેલી CBIની ટીમે મોડી રાત્રે 3 વાગ્યા સુધી આનંદગિરિના આશ્રમમાં પૂછપરછ કરી હતી. તે દરમિયાન આશ્રમથી CBIએ એક લેપટોપ અને એક મોબાઈલ કબજે કર્યો હતો. CBIએ આશ્રમમાં લગાવેલા CCTV કેમેરાની પણ તપાસ કરી હતી. તે દરમિયાન હરિદ્વાર પોલીસના (Haridwar Police) અધિકારીઓ પણ આશ્રમમાં હાજર રહ્યા હતા.