આસામ :IIT ખડગપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ફૈઝાન અહેમદના મૃતદેહને અધિકારીઓની વિશેષ ટીમ દ્વારા કોર્ટના આદેશ બાદ બીજા પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં આવ્યો હતો. અહેમદના પરિવારનો આરોપ છે કે સંસ્થા તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી અહેમદ ગયા વર્ષે 14 ઓક્ટોબરે IIT ખડગપુરની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સંસ્થાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેણે આત્મહત્યા કરી હતી, જ્યારે અહેમદના પરિવારનો આરોપ છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી.
વિદ્યાર્થીનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢાયો : પરિવારે અહમદના અકુદરતી મૃત્યુ અંગે કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અહેમદ આસામના ડિબ્રુગઢ જિલ્લાનો રહેવાસી હતો. તાજેતરમાં, કલકત્તા હાઈકોર્ટે મૃતદેહને બહાર કાઢવા અને બીજા પોસ્ટમોર્ટમનો આદેશ આપ્યો હતો. ફૈઝાન અહેમદના પરિવારની સંમતિ બાદ મંગળવારે તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
હત્યાની આશંકા : પશ્ચિમ બંગાળના ખડગપુર ટાઉન પોલીસ સ્ટેશનની ચાર સભ્યોની પોલીસ ટીમની હાજરીમાં, આસામ મેડિકલ કોલેજ અને ગુવાહાટી મેડિકલ કોલેજના ફોરેન્સિક નિષ્ણાતોએ ડિબ્રુગઢ શહેરમાં અમોલપટ્ટી ખાતે કબ્રસ્તાનમાં કબર ખોદી અને મૃતદેહને બહાર કાઢ્યો. આ પ્રસંગે મૃતક વિદ્યાર્થીના સંબંધીઓ, સ્થાનિક પોલીસ અને મેજિસ્ટ્રેટ ગૌતમ પ્રિયા મહંત પણ હાજર હતા. મૃતદેહને પહેલા ડિબ્રુગઢના શબઘરમાં રાખવામાં આવ્યો હતો. આ પછી, બુધવારે, વિશેષ ટીમના અધિકારીઓ પરિવાર સાથે મૃતદેહને કોલકાતા લઈ ગયા.
પોલિસ કરશે તપાસ : આ દરમિયાન જાણવા મળ્યું છે કે IIT ખડગપુરની એક ટીમ પણ ખોદકામની પ્રક્રિયા દરમિયાન હાજર રહેવાનો આગ્રહ કરી રહી હતી, પરંતુ મૃતક વિદ્યાર્થીના પરિવાર દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ અહીં પત્રકારોને જણાવ્યું કે IIT ખડગપુરના અધિકારીઓ તપાસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય ફૈઝાન અહેમદનો સડી ગયેલો મૃતદેહ ગયા વર્ષે 14 ઓક્ટોબરે સંસ્થાના કેમ્પસના લાલા લજપત રાય હોલના રૂમ C-205માંથી મળી આવ્યો હતો. બે દિવસ પછી, તેમના મૃતદેહને ડિબ્રુગઢ શહેરના અમોલપટ્ટી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો.