- કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ પીએમ મોદીને કરી અપીલ
- લોકશાહી માટે ગંભીર હો તો અજય મિશ્રાને હટાવો
- વડાપ્રધાન મોદી અને યુપી મુખ્યપ્રધાન યોગીને રાજધર્મ યાદ કરાવ્યો
નવી દિલ્હી: કોંગ્રેસે (Congress) શનિવારે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) લોકશાહીની રક્ષા માટે ગંભીર છે, તો તેમણે આરોપી આશિષ મિશ્રાના પિતા અજય મિશ્રાને (Ajay Mishra) 24 કલાકની અંદર ગૃહરાજ્યપ્રધાન પદ પરથી હટાવી દેવા જોઈએ. પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ (Pavan Khera) એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi) આ સમયે 'રાજધર્મ' નું પાલન કરવું જોઈએ.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કરી આકરી ટીકા
તેમણે પત્રકારોને કહ્યું, "ગોરખપુરથી લખીમપુર સુધીની સફરથી સ્પષ્ટ છે કે ભાજપનું શાસન શક્તિશાળી લોકો સમક્ષ ઝૂકે છે. આ સમયે માત્ર મોદીજી જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ રાજધર્મને યાદ રાખવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. સાંભળ્યું છે કે ગૃહ ગૃહરાજ્યપ્રધાનના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે સવાલ કર્યો હતો કે શું કલમ 302 હેઠળ તમામ આરોપીઓ સાથે એક જ રીતે વર્તન કરવામાં આવે છે. આવી સ્થિતિ કેમ સર્જાઈ કે કોર્ટે આ અવલોકન કરવું પડ્યું? ગૃહરાજ્યપ્રધાન તેમના પદ પર છે. કોંગ્રેસ સરકાર દરમિયાન કોઈ પર આરોપ લાગ્યો હતો તે પછીથી સાબિત થયો ન હતો, પણ અમે રાજીનામું લઈ લીધું. અમારી માગણી છે કે અજય મિશ્રાને બરતરફ કરવામાં આવે."
ખેરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, " જો વડાપ્રધાન લોકશાહીની રક્ષા માટે ગંભીર છે અને પોતાને સક્ષમ માને છે, તો ગૃહરાજ્યપ્રધાને આગામી 24 કલાકમાં રાજીનામું આપવું જોઈએ અથવા તેમને કાઢી મૂકવા જોઈએ."