- ખેડૂત નેતા રાકેશ ટિકૈત આબુ રોડ પર પહોંચ્યા
- રાકેશ ટિકૈત એક ખાનગી હોટલમાં રોકાયા છે
- રાકેશ ટિકૈત અંબાજીના દર્શન કરશે
સિરોહી(રાજસ્થાન): કૃષિ કાયદા રદ્દ કરવાની માગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. કિસાન આંદોલન અંગે ખેડૂત નેતા રાકેશ ટિકૈત આબુ રોડ પર પહોંચ્યા છે. જ્યાથી તેઓ થોડા સમય પછી ગુજરાત જવા રવાના થશે. તે એક ખાનગી હોટલમાં રોકાયા છે. સેવા દળના પ્રદેશ અધ્યક્ષ હેમસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, જો તેમને ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે તો તેઓ સરહદ તોડીને ગુજરાતમાં પ્રવેશ કરશે.
સરકાર મૂડીવાદીઓની સરકાર છે: હેમસિંહ શેખાવત
હેમસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સતત ખેડુતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂતો માટેના કાળા કાયદા એવા આ ત્રણ કાયદાને ખેડુતોના દબાણને કારણે પાછા ખેંચવા જ પડશે. આજે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત જશે તેમજ અંબાજીના દર્શન કરશે. જો ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરશે તો તેઓ સરહદ તોડીને ગુજરાતમાં પ્રવેશ કરશે. કારણ કે ગુજરાત પણ ભારતનો એક ભાગ છે. હેમસિંહ શેખાવતે કહ્યું હતું કે, સરકાર મૂડીવાદીઓની સરકાર છે.