- અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારને લઈ બોલ્યા ફારૂક અબ્દુલ્લા
- અબ્દુલ્લાને તાલિબાનથી સારા શાસન અને ન્યાયની આશા
- શેખ અબ્દુલ્લાની 39મી પુણ્યતિથિ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં બોલ્યા ફારૂક અબ્દુલ્લા
શ્રીનગર: નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ બુધવારે કહ્યું કે, તેમને આશા છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં સુશાસન આપશે. તેમણે કહ્યું કે, "અફઘાનિસ્તાન એક અલગ દેશ છે. જેઓ (તાલિબાન) સત્તા પર આવ્યા છે તેઓએ દેશને સ્થિર કરવો પડશે. મને આશા છે કે તેઓ ન્યાય અને સારી સરકાર આપશે, માનવતાને કેન્દ્રસ્થાને રાખશે અને સરકારને ઇસ્લામિક સિદ્ધાંતો પર ચલાવશે." તેમણે શ્રીનગરના હજરતબલમાં શેખ અબ્દુલ્લાની 39મી પુણ્યતિથિ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા આ જણાવ્યું.
નેશનલ કૉન્ફરન્સ વિધાનસભાની ચૂંટણી લડશે
અબ્દુલ્લાએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, તાલિબાને તમામ દેશો સાથે સંબંધો અને મિત્રતા કેળવવી જોઈએ. પીઢ નેતાએ કહ્યું કે નેશનલ કૉન્ફરન્સ ચોક્કસપણે વિધાનસભાની ચૂંટણી લડશે અને જમ્મુ -કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવા અને વિશેષ દરજ્જા માટે લડવાનું ચાલુ રાખશે. અબ્દુલ્લાએ કહ્યું કે, મને ખબર નથી કે વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે, પરંતુ નેશનલ કોન્ફરન્સ ચોક્કસપણે ચૂંટણી લડશે.