શિમલા :હિમાચલ પ્રદેશના DGP સંજય કુંડૂ વિરુદ્ધ કેસ નોંધવા માટે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. એક વેપારીએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મેઈલ મોકલીને જણાવ્યું હતું કે, હિમાચલના DGP થી તેના પરિવાર અને તેના જીવને ખતરો છે. આ મામલે અત્યાર સુધી FIR નોંધાઈ ન હોવા પર નારાજગી વ્યક્ત કરતા હાઇકોર્ટે વેપારીના પરિવારને સુરક્ષા આપવાનો અને હિમાચલના DGP વિરુદ્ધ FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 22 નવેમ્બર બુધવારના રોજ થશે અને તે દિવસે કોર્ટમાં કેસ સંબંધિત ન્યુ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
હાઈકોર્ટે શું કહ્યું ? હિમાચલ પ્રદેશ સરકારના એડવોકેટ જનરલ અનુપ રતને કહ્યું કે, હાઈકોર્ટે નિશાંત શર્મા કેસની સુઓ મોટુ સંજ્ઞાન લીધી હતી અને કેસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. કાંગડા અને શિમલા એસપી દ્વારા હાઇકોર્ટ સમક્ષ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે પૂછ્યું કે, શું આ કેસમાં FIR નોંધવામાં આવી છે. અમે કોર્ટને કહ્યું કે ફરિયાદના તથ્યોના આધારે તપાસ કર્યા બાદ સ્ટેટસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકી રહ્યા છીએ.
કોર્ટનો મત હતો કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે તરત જ FIR નોંધીને તપાસ અને આગળની કાર્યવાહી કરવી જોઈએ. ત્યારબાદ અમે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે બુધવાર સુધીમાં કાંગડામાં બુધવાર સુધીમાં કાંગડામાં FIR નોંધવામાં આવશે અને સ્ટેટસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કેસની સુનાવણી હવે 22 નવેમ્બરના રોજ થશે. -- અનૂપ રતન (એડવોકેટ જનરલ, હિમાચલ પ્રદેશ)
શું છે મામલો :હિમાચલ પ્રદેશના પાલમપુરના નિશાંત શર્મા નામના બિઝનેસમેન જણાવ્યું હતું કે, હિમાચલના DGP થી પોતાના જીવને ખતરો છે. નિશાંતનો દાવો છે કે, તેના પર પ્રોપર્ટી સંબંધિત કેસમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેને હિમાચલ પોલીસ હેડક્વાર્ટરથી વારંવાર ફોન આવી રહ્યા હતા. નિશાંતનો આરોપ છે કે ડીજીપી તેને મળવા માટે શિમલા બોલાવી રહ્યા હતા.
DGP દ્વારા ડિફેન્સ :નિશાંત શર્માના જણાવ્યા અનુસાર તેણે DGP ને મેઈલ કરીને પૂછ્યું કે, તેને શા માટે શિમલા બોલાવવામાં આવી રહ્યો છે. મેલ મળ્યા બાદ ડીજીપી સંજય કુંડૂએ છોટા શિમલા પોલીસ સ્ટેશનમાં નિશાંત શર્મા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ડીજીપીના કહેવા પ્રમાણે નિશાંત શર્મા તેઓની છબી ખરાબ કરવા માટે મનઘડત આરોપ લગાવી રહ્યા છે. નોંધનીય છે કે મામલો સામે આવ્યા બાદ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિંદર સુક્ખૂ અને મુખ્ય સચિવ પ્રબોધ સક્સેનાએ પણ તપાસની વાત કરી હતી.
અમે કોર્ટને કહ્યું કે બિઝનેસમેનને સુરક્ષા આપવામાં આવી છે. SP શિમલા અને SP કાંગડા તેમના સંપર્કમાં છે. નિશાંત શર્માએ કહ્યું છે કે જ્યારે પણ સુરક્ષાની જરૂર પડશે ત્યારે તેઓ એસપી કાંગડાને જાણ કરશે. પરંતુ કોર્ટે ઉદ્યોગપતિને સુરક્ષા પ્રદાન કરવાનો આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે અમે તેમને તાત્કાલિક સુરક્ષા પ્રદાન કરીશું. -- અનુપ રતન (એડવોકેટ જનરલ, હિમાચલ પ્રદેશ)
બિઝનેસમેને ચીફ જસ્ટિસને મોકલ્યો મેઇલ : બિઝનેસમેન નિશાંત શર્માએ પોતાની વિરુદ્ધ કેસ નોંધાયા બાદ રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધી મેઈલ મોકલ્યો હતો. આ મેલમાં નિશાંતે DGP થી તેના અને તેના પરિવારના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કરીને આ મામલાની સંજ્ઞાન લેવાની વિનંતી કરી હતી. જેના પર હાઈકોર્ટે મામલાની સંજ્ઞાન લેતા સુનાવણી તારીખ 16 નવેમ્બર નક્કી કરી અને એસપી કાંગડા અને શિમલા પાસેથી સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો હતો.
બિઝનેસમેનનો DGP પર આરોપ :નિશાંત શર્માના જણાવ્યા અનુસાર આ ઘટના હરિયાણાના ગુરુગ્રામમાં બની હતી. આ કેસની તપાસ હરિયાણા પોલીસ કરી રહી છે. નિશાંતના જણાવ્યા અનુસાર તેને ગુરુગ્રામમાં હુમલા અંગે નોંધાયેલ ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ભાગસૂનાગમાં કેટલાક લોકોએ તેનો રસ્તો રોકીને તેને ધમકી આપી હતી. જેના સીસીટીવી ફૂટેજ પોલીસે રેકોર્ડમાં લીધા છે. ત્યારબાદ DSP અને HSO પાલમપુર દ્વારા DGP ને મળવા માટે ફોન કરવામાં આવ્યા હતા. નિશાંતના મેઈલ મુજબ DGP ઓફિસમાંથી એક જ દિવસમાં 14 ફોન આવ્યા હતા અને તેને DGP ને મળવા માટે શિમલા ખાતે બોલાવવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે આપ્યો આદેશ :બિઝનેસમેન નિશાંત શર્માએ હિમાચલના DGP થી પોતાના જીવને ખતરો હોવાનો આરોપ લગાવ્યો છે. જેના પર હાઈકોર્ટે આ કેસમાં એફઆઈઆર નોંધવાની સાથે જ નિશાંતના પરિવારને સુરક્ષા આપવા માટેના આદેશ આપ્યા છે. એડવોકેટ જનરલે કહ્યું કે, આ મામલો કાંગડા જિલ્લા સાથે સંબંધિત છે તેથી કાંગડામાં FIR નોંધવામાં આવશે.
- Supreme Court : મિલકત વેચવાના કરારથી માલિકીનો અધિકાર મળતો નથી- સુપ્રીમ કોર્ટ
- બળાત્કાર પીડિતાએ સુખી દામ્પત્ય જીવન જીવવાની વાત કરી, સુપ્રીમ કોર્ટે દોષિતને માફ કરી