મુંબઈઃ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેંક ઈન્ડિયાએ તાજેતરમાં ભારતના શહેરોમાં મકાનની કિંમત કેટલી છે તે દર્શાવતો રીપોર્ટ બહાર પાડ્યો છે. આ રીપોર્ટ અનુસાર એફોર્ડેબેલ હાઉસ ખરીદવા માટે અમદાવાદ, પૂના અને કોલકાતા સૌથી શ્રેષ્ઠ શહેરો છે. જ્યારે મુંબઈ અને હૈદરાબાદ સૌથી મોંઘા શહેરો છે. એફોર્ડેબલ હાઉસ માટે 21 ટકા મકાનો પર ઈએમઆઈને લીધે અમદાવાદ આ યાદીમાં ટોચ પર છે.
મુંબઈ અને હૈદરાબાદ સૌથી મોંઘા શહેર બીજા શબ્દોમાં કહીએ તો અમદાવાદમાં એક સામાન્ય પરિવારે પોતાની આવકનો 21 ટકા ભાગ ઈએમઆઈ માટે ફાળવીને ઘર ખરીદી શકે છે. અમદાવાદ બાદ એફોર્ડેબલ હાઉસમાં પૂના અને કોલકાતા જેવા શહેરોનું સ્થાન આવે છે. જેમાં 24 ટકા ઈએમઆઈ ભરવો પડે છે. જ્યારે સૌથી મોંઘા શહેર તરીકે મુંબઈ છે. અહીં આવકના 51 ટકા ઈએમઆઈમાં ભરવા પડે છે. જો કે ગત વર્ષ કરતા 2 ટકા ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે મુંબઈમાં આવકના 53 ટકા ઈએમઆઈમાં ભરવાનો રીપોર્ટ આવ્યો હતો.
એફોર્ડેબલ હાઉસ મામલે બીજા નંબરનું સૌથી મોંઘુ શહેર હૈદરાબાદ બન્યું છે. જેમાં ગત વર્ષ અને આ વર્ષ બંનેમાં આવકના 30 ટકા ઈએમઆઈમાં ભરવાનો રીપોર્ટ આવ્યો છે. જ્યારે શહેરમાં મકાનની કિંમતો 2023માં 11 ટકા વધી છે. રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્ર(એનસીઆર)માં 2022માં 29 ટકાનું પ્રમામ 2 ટકા ઘટીને 27 ટકા નોંધાયું છે. બેંગાલુરુમાં 2023માં આવકના 26 ટકા ઈએમઆઈમાં ખર્ચીને ઘર ખરીદી શકાય છે. આમ, બેંગાલુરુ એફોર્ડેબલ હાઉસની ખરીદીમાં સૌથી મોંઘુ ચોથું શહેર બન્યું છે. કોરોના મહામારી પછી આ પ્રમાણમાં 6 ટકાનો સુધારો જોવા મળ્યો છે.
કોરોના બાદ શહેરોમાં ઘર ખરીદનારાની સંખ્યા વધી છે. વ્યાજદરોમાં આવતા ઘટાડાને પરિણામે ઘરોની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022માં ઘરની ખરીદીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો પણ ત્યારબાદ 2023માં ઈએમઆઈ મુદ્દે સુધારો જોવા મળ્યો છે. નાઈટ ફ્રેંક ઈન્ડિયાના અધ્યક્ષ શિશિર બૈજલે કહ્યું કે, નાણાંકીય વર્ષ 2024-25માં જીડીપીની વૃદ્ધિને લીધે ઘરની ખરીદીમાં વધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત જો આરબીઆઈ 2024માં રેપો રેટ ઘટાડે તો હોમ લોન સસ્તી થઈ શકે છે જેનાથી 2024માં ઘરની ખરીદીમાં વધારો જોવા મળવાની આશા છે.
- Home Loan: શું તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો આ મુદ્દાઓ ચોક્કસથી ધ્યાનમાં રાખશો
- Home Loan Transfer: હોમ લોન ટ્રાન્સફર માટે પસંદ કરી રહ્યા છો? તો આ બાબતોનું ધ્યાન રાખવું