દૌસા: રાજસ્થાનના દૌસામાં રવિવારે મોડી રાત્રે જયપુર દૌસા નેશનલ હાઇવે નંબર 21 પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ચાર લોકોનાં મોત થયા હતા, જ્યારે 28 લોકો ઘાયલ થયાં હતાં. મળતી માહિતી અનુસાર બસ પુલ પરથી રેલવે ટ્રેક પર ખાબકી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ તંગ બની ગયું હતું. અકસ્માતનું કારણ બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. આ અકસ્માત દૌસાની કલેક્ટર કચેરી પાસેના સર્કલ પર થયો હતો.
હરિદ્વારથી ઉદયપુર જઈ રહી હતી બસ: પોલીસ નાયબ અધિક્ષક બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, જે બસ અકસ્માતનો ભોગ બની હતી તે હરિદ્વારથી ઉદયપુર જઈ રહી હતી. મોડી રાત્રે આશરે 2.15 કલાકે આ દૂર્ઘટના સર્જાઈ હતી. બસ કલેક્ટર કચેરી સર્કલ ખાતે પુબ્રીજની ROB દિવાલ તોડીને રેલવે ટ્રેક પર પડી હતી. બસ આશરે 50 ફૂટની ઊંચાઈએથી નીચે પડી હતી. પોલીસ અને રેસ્ક્યુ ટીમની મદદથી બસ સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ સાવચેતીના ભાગરૂપે બંને તરફથી રેલ્વે ટ્રાફિક પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું પાછળથી મોત થયું હતું.