અમદાવાદ : 31 માર્ચ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ:ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો તો આપના વાણી અને વર્તનથી કોઈની લાગણીને ઠેસ પહોંચી શકે છે અથવા બીજાના કારણે તમારી લાગણી દુભાઈ શકે છે. આવી સ્થિતિમાં ધૈર્યવાન અને વ્યવહારુ બનવાની સલાહ છે. માતાની વધુ સેવા કરવાની તેમજ તેમની સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે. લાગણીશીલ બનવાથી પરિવારની બાબતોમાં તમારા હઠાગ્રહના કારણેો ક્યારેક સ્વાભિમાન ઘવાતાં મનમાં ગ્લાનિ અનુભવશો. આવી સ્થિતિ ટાળવા માટે સમાધાનકારી વળણ રાખવું. ભોજન અને ઊંઘ પર ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ છે. મનની અશાંતિ માટે આધ્યાત્મિકતા શ્રેષ્ઠ ઉપાય રહેશે. સ્થાવર મિલકત અંગેની ચર્ચા ટાળવી.
વૃષભ:ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. ચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. લાગણી અને સંવેદનાઓથી આપનું મન હર્યુંભર્યું રહે, જેના કારણે આપની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિ પૂરબહારમાં ખીલશે. સાહિત્ય લેખનમાં તેમજ કલાક્ષેત્રમાં આજે આપ સારું પ્રદાન કરી શકો. કુટુંબીજનો, ખાસ કરીને માતા સાથેની આત્મીયતા વધશે. નાનકડા પ્રવાસ કે પર્યટન શક્ય બનશે. નાણાકીય બાબતો પર ધ્યાન આપશો. આપનો સમગ્ર દિવસ ખુશીમાં પસાર થાય.
મિથુન: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. થોડા વિલંબ પછી આપના ધારેલા કાર્યો પાર પડતાં મનમાં હર્ષની લાગણી અનુભવશો. ખોરંભે ચડી ગયેલા નાણાકીય આયોજનમાં આપનો માર્ગ સરળ થતો જણાય. નોકરી વ્યવસાયના સ્થળે સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળતાં સુમેળભર્યું વાતાવરણ રહે. મિત્રો તેમજ શુભેચ્છકો સાથેનું મિલન આપનામાં આનંદનો સંચાર કરશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે.
કર્ક:ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. મિત્રો, સ્નેહીજનો અને પરિવારજનોના સંગાથમાં આપ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્લાસથી પસાર કરશો, અને તેમના તરફથી ભેટ ઉપહાર મળતાં આપનો આનંદ દ્વિગુણિત બનશે. બહાર હરવા ફરવાનું તથા સારું ભોજન લેવાનું આયોજન થાય. શુભ સમાચાર મળે. આર્થિક લાભ મળે સાથે દાંપત્યજીવનમાં પત્ની સાથે વધુ નીકટતા અનુભવાય. શારીરિક સુખાકારી તો જળવાશે પણ માનસિક રીતે પણ આજે આપ ખૂબ તાજગી અનુભવશો.
સિંહ: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપને આજે કોર્ટ કચેરીના મામલાથી દૂર રહેવાની સલાહ છે. મનમાં ઉદ્વેગ અને ચિંતાનો અનુભવ થઈ શકે છે માટે મહત્વના કાર્યોથી દૂર રહીને આજે થોડો વિરામ લો અથવા મન પ્રફુલ્લિત રાખવા માટે મોજશોખમાં થોડુ ધ્યાન આપશો તો બહેતર છે. શારીરિક સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની સલાહ છે. આજે વાણી અને વર્તનમાં સંયમ જાળવવો જરૂરી છે. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. સ્ત્રી વર્ગથી સંભાળીને રહેવું. તમારી શક્તિ અને આવડત ખોટી જગ્યાએ વેડફાય નહીં તેનું ધ્યાન રાખવાની સલાહ છે.
કન્યા:ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપને આજે વિવિધ ક્ષેત્રોમાં યશકીર્તિ અને લાભ મળવાની સંભાવના જણાઈ રહી છે. નાણાંની ચિંતા નહીં રહે. સ્ત્રી મિત્રો આપના માટે લાભકારક નીવડે. વડીલબંધુ તેમજ મિત્રો સાથે આપનો દિવસ આનંદમાં પસાર થાય. પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. પત્ની પુત્ર સાથે ખુશ રહેશો. દાંપત્યજીવનમાં સુખ સંતોષની લાગણી અનુભવો. સંતાનોના શુભ સમાચાર મળે. પ્રિયપાત્ર સાથે મિલનમુલાકાત યોજાય.
તુલા: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના ઘર અને કાર્ય સ્થળે સાનુકૂળ વાતાવરણ રહેવાથી મન આનંદમાં રહે. તંદુરસ્તી જળવાશે. નોકરિયાત વર્ગને નોકરીમાં બઢતીના યોગ છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ તરફથી આપના કામની સરાહના થાય. પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ રહે. માતા તરફથી લાભ મળે. સરકારી કાર્યોમાં આજે સફળતા મળશે.
વૃશ્ચિક: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનામાં તાજગી અને સ્ફૂર્તિનું સ્થાન થાક અને આળસ લેશે, જેથી મનમાં ઉત્સાહનો અભાવ રહેશે. આવી સ્થિતિના ઉકેલ માટે તમે કામના ભારણ પ્રમાણે આરામ પર ધ્યાન આપજો અને વચ્ચે વચ્ચે મનગમતા કાર્યોમાં ભાગ લેજો. તેનાથી તમારા વિચારોમાં વૈવિધ્યતા આવશે. તેની સકારાત્મક અસર વ્યવસાયક્ષેત્રે જોવા મળે. નોકરિયાતોને ઉપરી અધિકારીઓ સાથે આજે મહત્વની ચર્ચા ટાળવાની સલાહ છે. સંતાનો સંબંધિત કામકાજોમાં આજે તમારે વધુ ધ્યાન આપવું પડશે. મહત્વના નિર્ણયો આજે શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવા હિતાવહ છે.
ધન:ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને નવા કાર્યોની શરૂઆત ન કરવાની તેમજ આરોગ્યની સંભાળ લેવાની સલાહ છે. શરદી, ખાંસી અને પેટના દર્દોનો ઉપદ્રવ તંદુરસ્તી બગાડશે. ઓપરેશન વગેરેનું આયોજન કર્યું હોય તો પણ આજે શક્ય હોય ત્યાં સુધી મુલત્વી રાખજો. આજે આપના મનમાં સંખ્યાબંધ વિચારો ઘેરાયેલા રહેશે જેથી કોઈ બાબતે તટસ્થ બનીને નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં જરૂર જણાય તો બીજાનું માર્ગદર્શન લેવામાં અચકાવું નહીં. પાણીજન્ય સમસ્યાઓથી સંભાળજો. ધન ખર્ચમાં વધારો થાય. વાણી અને વર્તન સંયમિત રાખવા જરૂરી છે.
મકર: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ ખૂબ જ સારો નીવડશે. વેપારવૃદ્ધિના યોગ છે. આ ઉપરાંત દલાલી, વ્યાજ, કમિશન દ્વારા મળનારી આવક તમારા નાણાંભંડોળમાં વૃદ્ધિ કરશે. પ્રેમીઓ માટે આજે પ્રણય પરિચયના યોગ છે. વિજાતીય આકર્ષણ રહે. સુંદર ભોજન, વસ્ત્રપરિધાન અને વાહનસુખનો લાભ મળે. આરોગ્ય સારું રહે. નાની મુસાફરી થાય. માનમોભામાં વધારો થાય. શ્રેષ્ઠ દાંપત્યસુખ પ્રાપ્ત થાય.
કુંભ: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. કાર્ય સફળતા માટે આજે ઉત્તમ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આ કાર્ય આપને યશકિર્તી બંને અપાવે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. તન મનથી આપ તાજગી સ્ફૂર્તિ અનુભવશો. નોકરી- ધંધાના સ્થળે સહકર્મચારીઓ આપને સારો સહકાર આપશે. મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર આવે ખર્ચ વધે. બીમાર વ્યક્તિની તબિયતમાં સુધારો જણાય.
મીન: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ વિદ્યાર્થી માટે સારો હોવાનું જણાઈ રહ્યું છે. તેમને વિદ્યાભ્યાસમાં સફળતા મળે અને કારકિર્દીની નવી તકો હાથ લાગે. આજે આપની કલ્પનાશક્તિથી સાહિત્ય લેખનમાં નવું ખેડાણ કરશો. પ્રેમીજનો એકબીજાનું સામિપ્ય માણી શકશે. આપના સ્વભાવમાં વધારે પડતી લાગણીશીલતા રહે. સ્ત્રી મિત્રોથી ખર્ચ થાય.