નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે લોકસભામાં કહ્યું કે 3 ગુનાહિત કાયદાના સ્થાને જે વિધેયક લાવવામાં આવી રહ્યું છે તે ગુલામીની માનસિકતા દૂર કરશે. જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમિત શાહે ભારતીય ન્યાય(દ્વિતીય) સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય (દ્વિતીય) વિધેયક 2023 પર સદનમાં થયેલ ચર્ચાના જવાબમાં જણાવ્યું કે, નાગરિકની સ્વતંત્રતા, નાગરિકનો અધિકાર અને સૌની સાથે સમાન વ્યવહાર સ્વરુપના 3 સિદ્ધાંતોના આધારે આ પ્રાસ્તાવિત કાયદા લાવવામાં આવ્યા છે.
અમિત શાહે કૉંગ્રેસનું નામ લીધા વિના કૉંગ્રેસ પર વાક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જો મન ઈટાલીનું હશે તો આ કાયદા ક્યારેય સમજાશે નહીં. જો મન ભારતનું હશે તો આ કાયદા સમજાશે. ગુનાહિત ન્યાય પ્રણાલિમાં આમૂલ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે જે ભારતની જનતાના હિતમાં છે. વડા પ્રધાન મોદીએ ગુલામીની માનસિકતાને દૂર કરવાની દિશામાં કામ કર્યુ છે. વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે બીનજરુરી કાયદાથી મુક્તિ મળવી જોઈએ. ત્યારથી જ ગૃહ વિભાગે કાયદાને બદલવાનું કામ શરુ કરી દીધું હતું. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આ વિધેયકોના માધ્યમથી સરકાર 3 ગુનાહિત કાયદાની ગુલામીવાળી માનસિકતામાંથી દેશને બહાર લાવવા માંગે છે. અગાઉના કાયદાઓએ બ્રિટિશ રાજની સલામતિને પ્રાથમિકતા આપી હતી, જ્યારે હવે નાગરિક અને દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
અમિત શાહે જણાવ્યું કે આ ઐતિહાસિક સદનમાં લગભગ 150 વર્ષ જૂના 3 કાયદા જેનાથી આપણી ગુનાહિત ન્યાય પ્રણાલિ ચાલી રહી છે. આ ત્રણેય કાયદાઓમાં પહેલીવાર વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતીયતા, ભારતીય સંવિધાન અને ભારતની જનતાની ચિંતા કરીને આમૂલ પરિવર્તન લઈને હું આવ્યો છું. તેમણે કહ્યું કે, આતંકવાદની વ્યાખ્યા અત્યારસુધી એક પણ કાયદામાં હતી નહીં. પ્રથમવાર મોદી સરકાર આતંકવાદને વ્યાખ્યાયિત કરવા જઈ રહી છે.