મુંબઈ :ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક સતત ચોથા દિવસે તેજી સાથે સાપ્તાહિક એકસ્પાયરી પહેલા ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યા છે. 27 ડિસેમ્બર બુધવારના ઐતિહાસિક દિવસે પ્રથમવાર BSE Sensex 72,119 અને NSE Nifty 21,675 રેકોર્ડ બ્રેકિંગ સપાટીએ પહોંચ્યા હતા. ઉપરાંત Nifty BANK પણ 48,347 પોઈન્ટની ઐતિહાસિક સપાટી નોંધાવી ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.
BSE Sensex : આજે 27 ડિસેમ્બર બુધવારના રોજ BSE Sensex ગતરોજના 71,336 બંધની સામે 156 પોઈન્ટ સુધારા સાથે 71,492 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન સતત મજબૂત વલણને જાળવી રાખી ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડતા રહી 72,119 ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 701 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 70,038 ના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.98 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 213 પોઈન્ટ (1 %) ઉછળીને 21,655 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે ગતરોજના 21,441 બંધની સામે 56 પોઈન્ટ સુધારા સાથે 21,798 ના મથાળે ખુલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સતત મજબૂત વલણને જાળવી રાખી NSE Nifty છેલ્લા એક વર્ષમાં ઓલટાઇમ હાઈ 21,675 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
રોકાણકારોને મોજ :ભારતીય શેરબજારની ધૂમ તેજીથી આજે રોકાણકારોને આશરે રૂ. 10 લાખ કરોડનો નફો થયો હતો. ઉપરાંત BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે રૂ. 361.28 લાખ કરોડના સ્તરે પહોંચ્યું છે. 20 ડિસેમ્બરના રોજ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટકેપ રૂ. 350.19 લાખ કરોડ હતું. બજારમાં તેજીના વલણના પરિણામે રોકાણકારોએ 4 દિવસમાં લગભગ 11 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો છે.