- જાવેદ અખ્તરે હિંદુને ગણાવ્યો સૌથી સભ્ય અને સહિષ્ણુ સમુદાય
- 'સામના'માં એક લેખ લખીને સ્પષ્ટતા આપી
- RSS અને VHPની તુલના તાલિબાન સાથે કરતા થયો હતો વિવાદ
મુંબઈ: જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર અને ગીતકાર જાવેદ અખ્તરે હાલમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિંદુ પરિષદની તુલના તાલિબાન સાથે કરી હતી. ત્યારબાદ અખ્તરે ઘણી જ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. શિવસેનાના મુખપત્ર સામનાએ પણ તેમની ટીકા કરી હતી. જો કે હવે જાવેદ અખ્તરે સામનામાં એક લેખ લખીને સ્પષ્ટતા આપી છે.
હિંદુસ્તાની સ્વભાવથી કટ્ટર નથી
આ લેખમાં જાવેદ અખ્તરે કહ્યું કે, હિંદુ દુનિયાનો સૌથી સભ્ય અને સહિષ્ણુ સમુદાય છે. તેમણે કહ્યું કે, હિંદુસ્તાન ક્યારેય પણ અફઘાનિસ્તાન ન બની શકે, કારણ કે હિંદુસ્તાની સ્વભાવથી કટ્ટરપંથી નથી. સામાન્ય રહેવું તેમના DNAમાં છે.
મુસ્લિમ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ચૂપ રહેવાના આરોપને ફગાવ્યા
તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે, ટીકાકારો આરોપ લગાવે છે કે હું મુસ્લિમ કટ્ટરપંથીઓ વિરુદ્ધ નથી બોલતો, જે એકદમ પાયાવિહોણુ છે. જાવેદ અખ્તરે કહ્યું કે, ટીકાકારો એ વાતથી નારાજ છે કે તેમણે તાલિબાન અને દક્ષિણપંથી હિંદુ વિચારધારામાં સમાનતાઓ ગણાવી છે. ટીકાકારોએ મારા પર મુસ્લિમ સમુદાયમાં ટ્રિપલ તલાક, પડદા પ્રથા અને અન્ય પ્રતિક્રિયાશીલ પ્રથા વિશે કંઇ ન કહેવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ હું ચોંક્યો નથી. સત્ય તો એ છે કે છેલ્લા 2 દાયકામાં મને 2 વાર પોલીસ સુરક્ષા આપવામાં આવી છે, કેમકે મને કટ્ટર મુસલમાનોથી જીવનું જોખમ હતું.