ચેન્નાઈ :તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા બે દિવસથી કેટલાક જિલ્લાઓમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના માર્ગો પર ભારે પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ છે. ઉપરાંત ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી.
વરસાદને કારણે જનજીવન ખોરવાયું હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગે તામિલનાડુના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
NDRF ની કામગીરી : તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રેલવે સુવિધાને અસર થઈ છે. દક્ષિણ રેલવે શ્રીવકુંતમ રેલવે સ્ટેશન પર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા અને ફસાયેલા મુસાફરોને નિકાળવા માટે નક્કર પ્રયાસ કરી રહી છે. NDRF PRO ના જણાવ્યા અનુસાર NDRF ની બે ટીમ પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરતી બચાવ ટીમ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. NDRF તેમના સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરશે. ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવનને અસર થઈ હતી.
4 જિલ્લામાં રેડ એલર્ટ :ભારતીય હવામાન વિભાગે 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્ર નિર્દેશક એસ. બાલચંદ્રને જણાવ્યું હતું કે, આગામી 24 કલાક માટે તેનકાસી, થૂથુકુડી, તિરુવનેલી અને કન્યાકુમારી જિલ્લાઓ માટે રેડ એલર્ટ રહેશે. તમિલનાડુ સરકાર દ્વારા સોમવારના રોજ ભારે વરસાદને કારણે તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લાની તમામ શાળા-કોલેજો, ખાનગી સંસ્થા, બેંક અને નાણાકીય સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
જળાશયો છલકાયા : થૂથુકુડી જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. કોવિલપટ્ટી વિસ્તારમાં 40 તળાવ પૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા છે. IMD ની આગાહી અનુસાર કન્યાકુમારી, તિરુનેલવેલી અને થૂથુકુડીમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. થૂથુકુડી જિલ્લાના કોવિલપટ્ટી, એટ્ટાયપુરમ, વિલાથિકુલમ, કલુગુમલાઈ, કાયથર, કદમ્બુર, વેમ્બાર અને સુરંગુડી સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
વહીવટી તંત્રની કામગીરી : આ ભારે વરસાદને કારણે કોવિલપટ્ટીની આસપાસની નદીઓ અને તળાવ તેની પૂર્ણ ક્ષમતા પર પહોંચી ગયા હતા અને તળાવોમાંથી પાણી વહેતું જોવા મળ્યું હતું. દરમિયાન તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને સોમવારે જણાવ્યું હતું કે તેમણે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં પક્ષના કાર્યકરોને ચાલુ રાહત કામગીરીમાં મદદ કરવા માટે નિર્દેશ આપ્યો છે.
રાહત અને બચાવ કામગીરી :દક્ષિણ તમિલનાડુમાં સતત વરસાદ અને ગંભીર પૂરને ધ્યાનમાં રાખીને શ્રીવૈકુંટમમાં ફસાયેલા લગભગ 800 મુસાફરોને મદદ કરવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (NDRF) આગેવાની હેઠળ અને ભારતીય સેના, વાયુસેના, રેલવે અધિકારીઓ અને સ્થાનિક એજન્સીઓ દ્વારા સમર્થિત આ ઓપરેશનમાં અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે અથાક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
યાત્રીઓ ફસાયા : કેટલાક યાત્રીઓને શ્રીવૈકુંટમ રેલવે સ્ટેશન પર ટ્રેનના ડબ્બામાં આખી રાત વિતાવી પડી હતી. પ્રાથમિક રિપોર્ટ અનુસાર 300 લોકોએ નજીકની શાળામાં આશ્રય મેળવ્યો હતો. જ્યારે બાકીના રેલવે સ્ટેશન પર રહ્યા હતા. દક્ષિણ તમિલનાડુના મોટાભાગના ભાગોમાં વરસાદ ઘટયો હોવા છતાં ભારે પૂરની સ્થિતિ છે.
- તમિલનાડુમાં વરસાદે તારાજી સર્જી, અનેક જિલ્લા જળબંબાકાર થતા શાળા-કોલેજોમાં રજા જાહેર
- ભારતે બતાવી 'સ્વદેશી' તાકાત : આકાશ મિસાઈલે એકસાથે 4 ટાગ્રેટ પર સાધ્યું નિશાન