ચંદીગઢઃ વારિસ પંજાબના સંગઠનના વડા અમૃતપાલ સિંહના કેસને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પંજાબ સરકારના એજી વિનોદ ઘાઈએ કોર્ટમાં કહ્યું કે અમે હજુ સુધી અમૃતપાલની ધરપકડ કરી શક્યા નથી, પરંતુ અમે અમૃતપાલની ધરપકડ કરવાની ખૂબ નજીક છીએ અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
સરકારે માંગ્યા પુરાવા: આ કેસમાં પંજાબ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટે કહ્યું કે હાઈકોર્ટે અમૃતપાલના કેસમાં તેમના વકીલ ઈમાન સિંહ ખારાને પૂછ્યું કે અમૃતપાલને ગેરકાયદેસર રીતે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હોવાના તમારી પાસે શું પુરાવા છે. કોર્ટે એમ પણ કહ્યું કે તેઓ માત્ર મીડિયા રિપોર્ટ્સના આધારે કેસની સુનાવણી કરી શકતા નથી, તેથી તમારે આ કેસમાં નક્કર પુરાવા લાવવા પડશે.
સોગંદનામું દાખલ કરવાનો પણ નિર્દેશ:સરકારવતી એડવોકેટ જનરલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. હવે આ કેસમાં અમૃતપાલના વકીલ આવતીકાલે પુરાવા સાથે એફિડેવિટ દાખલ કરશે અને કોર્ટે પંજાબ સરકારને આવતીકાલે સોગંદનામું દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે એડવોકેટ જનરલે પંજાબ સરકારવતી કોર્ટને કહ્યું છે કે પંજાબ સરકાર આ મામલે ગંભીરતાથી કામ કરી રહી છે અને સાથે જ અપીલ કરી છે કે આ મામલે કોઈ પણ પ્રકારની સનસનાટીભરી માહિતી આપવામાં ન આવે જેનાથી વાતાવરણ ખરાબ થાય. તેથી આ બાબતની ચર્ચા તથ્યોના આધારે થવી જોઈએ.
NSA લાદવા સામે અરજી:એ જ રીતે અન્ય ધરપકડ કરાયેલા આરોપીઓના કેસોમાં, કેટલાક પરિવારના સભ્યોએ NSA લાદવા સામે અરજી કરી છે, જ્યારે અન્ય લોકોએ જેલમાં વકીલને મળવા માટે અરજી કરી છે. જેના પર કોર્ટે નોટિસ જારી કરીને 11 એપ્રિલની તારીખ નક્કી કરી છે. તેમણે કહ્યું કે પંજાબ સરકાર 10 એપ્રિલે આ મામલે તેના તમામ તથ્યો રજૂ કરશે અને કોર્ટમાં સુનાવણી 11 એપ્રિલે થશે.