અમદાવાદ: જય જય ગરવી ગુજરાતના શબ્દઘોષ સાથે પહેલી મે 2022ના રોજ ગુજરાત રાજ્યનો 63મા સ્થાપના દિવસની સોનેરી સવાર આવી છે. ગુજરાત રાજ્યની સ્થાપના અમદાવાદ શહેરના સાબરમતી આશ્રમ ખાતેથી મૂકસેવક રવિશંકર મહારાજને હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન 1 મે 1960ના રોજ કરવામાં આવ્યું હતું.
અતિપ્રાચીન છે ધરા ગુર્જરી: પ્રાચીન ગ્રંથોમાં ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. કૃષ્ણએ જે નગરી વસાવી હતી તે સમુદ્રમાં ગરકાવ થઈ હોવાનું કહેવાય છે, પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. ત્યાર પછી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો જેે સંમયાતરે ગુર્જર પરથી ગુજરાત પ્રદેશ તરીકે ઓળખાયો.
બે રાજ્યોનો ઇતિહાસ:દેશની સ્વતંત્રતા પહેલાં મુંબઇ, બોમ્બે પ્રેસીડન્સી સ્ટેટ તરીકે ઓળખાતું હતું.જોકે 1937માં બોમ્બે બ્રિટીશ ઇંડિયાનો એક ભાગ બન્યું. 1947માં ભારત આઝાદ થયું અને મુંબઇને એક અલગ રાજ્ય તરીકેનો દરજ્જો આપવાની જરૂરીયાત ઉભી થઇ. ભાષા અનુસાર રાજ્યની વહેંચણી થઇ. 19 ડિસેમ્બરે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યની સ્થાપના કરવા માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન(SRC) બનાવ્યું. જે કમિશન ફૈઝલ અલી કમિશન તરીકે પણ જાણીતું હતું. આ કમિશને મુંબઇને દ્વિભાષી બનાવવાનું નક્કી કર્યું. તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યપ્રદેશના નાગપુર ડિવીઝન સાથે હૈદરાબાદ રાજ્યના મરાઠવાડાના મરાઠી વિસ્તારને પણ મુંબઇમાં જોડવાની સલાહ આપી હતી. ગુજરાતી અને મરાઠી બોલતી પ્રજાએ SRCના આ નિર્ણયનો વિરોધ કર્યો અને ભાષા પ્રમાણે અલગ રાજ્યની માગ કરી હતી.ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે આઝાદી પછી ગુજરાતી પ્રજાનું મહાગુજરાત આંદોલન સૌથી મોટું આંદોલન હતું.
ગુજરાત માટેનો સંઘર્ષ:8 ઓગસ્ટ, 1856ના રોજ અમદાવાદના ભદ્ર કોંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતાં, પોલીસે અંધાધૂધ ગોળીબાર કર્યા તેમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતાં. ત્યાર પછી અમદાવાદમાં દેખાવો અને તોફાનો ફાટી નિકળ્યા હતાં. મહાગુજરાત ચળવળમાં કુલ 24 યુવાનો શહીદ થયા હતાં. 9 સપ્ટેમ્બર 1956ના રોજ ખાડિયામાં એક સભા મળી હતી. જેમાં ઈન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયાં અને કાર્યકરોમાં નવી ચેતના જાગી હતી. 2 ઓકટોબર, 1956નો દિવસ મહાગુજરાત આંદોલનનો જુસ્સો વધુ જોરદાર બન્યો હતો. જવાહરલાલ નહેરુની સભામાં પાંખી હાજરી હતી, તો સામે ઈન્દુલાલ યાજ્ઞિકની સભામાં અંદાજે 3 લાખથી વધુ લોકો ઉપસ્થિત હતાં. ત્યાર પછી ઈન્દુલાલ યાજ્ઞિક ‘ઈન્દુચાચા’ તરીકે જાણીતા બન્યા. ઈન્દુચાચાએ મહાગુજરાત આંદોલનને નવી દિશા આપી હતી.
નવા રાજ્યનું ઉદઘાટન: 1957માં લોકસભાની ચૂંટણી આવી, જેમાં મહાગુજરાત જનતા પરિષદે ચૂંટણી લડી અને ઈન્દુલાલ યાજ્ઞિક સહિત પાંચ ઉમેદવારો ચૂંટાયા. ગુજરાતના ગામેગામે આંદોલને વેગ પકડ્યો હતો. 1959ની 6 ડિસેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની સમિતિની બેઠક મળી. બેઠકના બીજા દિવસે મુંબઈ રાજ્યના વિભાજનની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ. મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યનું ઉદઘાટન થયું, પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અન મુખ્યપ્રધાન પદે જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો. પહેલી મે, 1960ના દિવસે ગુજરાતીઓનો વિજય થયો હોય તેમ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું.
મુંબઇને લેવાનો મુદ્દો:બંને રાજ્યો આર્થિક રીતે સદ્ધર બોમ્બેને પોતાનામાં સમાવવા ઇચ્છતા હતાં. આ સ્થિતિમાં જવાહરલાલ નહેરુએ 3 રાજ્યના નિર્માણની વાત કરી હતી. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ મુંબઇ રાજ્ય. 1956માં મુંબઇ અને અન્ય મરાઠી જિલ્લામાં અલગ મરાઠીભાષી રાજ્યની માગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયાં. આગળ જતાં સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મોરારજી દેસાઇ તે સમયે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યપ્રધાન હતાં. મોરારજી દેસાઇ દ્વારા સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા. આ તરફ ગુજરાતમાં પણ મહાગુજરાત આંદોલન શરૂ થયું જેમાં 8 વિદ્યાર્થીઓના જીવ ગયાં હતાં.
ગુજરાતની રચના:સામાન્ય રીતે નવા રાજ્યનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે પણ ગુજરાતમાં આ સમયે એક નવી પ્રથાની શરૂઆત થઇ. ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન સાબરમતી આશ્રમમાંથી મૂકસેવક રવિશંકર મહારાજે કર્યું હતું. રવિશંકર મહારાજે નવા અવતારમાં ગુજરાતને આશીર્વાદ આપ્યા હતાં. મહારાષ્ટ્રનો સંઘર્ષ સંયુક્ત મહારાષ્ટ્રની સાથે મુંબઇ શહેરને મહારાષ્ટ્રમાં ભેળવવાનો હતો. સાથે જ ગુજરાત માટે મહારાષ્ટ્રથી અલગ થવાની સાથે ગુજરાતી ભાષી ક્ષેત્ર અલગ તારવી શકાય તેમ હતું જ્યારે ડાંગ મહારાષ્ટ્રમાં ભળવાનું હતું. અંતે ડાંગ અને સાપુતારાને ગુજરાતમાં ભેળવવામાં આવ્યા અને મુંબઇને મહારાષ્ટ્રમાં ભેળવવામાં આવ્યું હતું.
ગુજરાતનો રાજકીય ઇતિહાસ:1 મે, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી મહાગુજરાત જનતા પરિષદનું વિલિનિકરણ કરવામાં આવ્યું હતું. જો ગુજરાતના રાજકીય ઇતિહાસને જોઇએ તો વર્ષ 1962 થી 2009 સુધીમાં 1600 કરતાં પણ વધારે સ્વતંત્ર ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. જો કે મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇંદુલાલ યાજ્ઞિકને સફળતા મળી તેવી બીજા કોઇને ન મળી. મહાગુજરાત નામમાં જ ગુજરાતી બોલતા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે. કરાંચીમાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદની 13મી બેઠકમાં કનૈયાલાલ મુન્શીએ પહેલી વખત આ શબ્દનો પ્રયોગ કર્યો હતો.
ગુજરાતના વ્યક્તિ વિશેષો:ગુજરાત પ્રદેશે કેટલીય વિભૂતિઓને જન્મ આપ્યો છે. દેશની સ્વતંત્રતામાં ખૂબ મોટો ભાગ ભજવનાર મહાત્મા ગાંધીજી પોરબંદરના વણિક પરિવારમાં જન્મ થયો હતો, આજે ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા છે. પાકિસ્તાનના સર્જક એવા મોહમ્મદઅલી ઝીણાના વંશજો પણ સૌરાષ્ટ્રના પાનેલીમાં જન્મ્યા હતાં. દેશને એક કરવામાં ગુજરાતી એવા સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ મોટું પ્રદાન આપ્યું છે જેમના થકી આજે અખંડ ભારત જોવા મળે છે. ગુજરાતી મોરારજી દેસાઈ, નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સહિત કેટલાય નેતાઓએ રાજકારણમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. તેઓ બીજી ટર્મમાં પણ વડાપ્રધાન પદ પર આવ્યા છે. ધીરુભાઈ અંબાણી અને તેમના પુત્ર મુકેશ અંબાણી, ગૌતમ અદાણીએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ, ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજી, કરશન ઘાવરી, ચંદુ બોરડે, પાર્થિવ પટેલ, રવીન્દ્ર જાડેજા, ઈરફાન પઠાણ, હાર્દિક પંડ્યા સહિત અનેકોઅનેક નામો છે, કે જેઓ ગુજરાતની ધરતીના સંતાનો છે, અને તેમણે દેશનું નામ રોશન કર્યું છે.