નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન (GST) ઓક્ટોબરમાં 16.6 ટકા વધીને રૂપિયા 1.52 લાખ કરોડ (GST Collection October 2022) થયું છે. GST કલેક્શનનો (GST Collection) આ અત્યાર સુધીનો બીજો સૌથી વધુ આંકડો છે. એપ્રિલમાં GST કલેક્શન લગભગ રૂપિયા 1.68 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આંકડો 1.30 લાખ કરોડ રૂપિયાથી વધુ હતો. સપ્ટેમ્બર 2022માં GST કલેક્શન 1.48 લાખ કરોડ રૂપિયા હતું. છેલ્લા મહિનામાં વધુ સારું કલેક્શન તહેવારોની સિઝન દરમિયાન આર્થિક પ્રવૃત્તિમાં તેજી દર્શાવે છે.
GST કલેક્શન ઑક્ટોબર 2022 :નાણા મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર ઓક્ટોબર 2022માં કુલ GST કલેક્શન (GST Collection October 2022) 1,51,718 કરોડ રૂપિયા હતું. કેન્દ્રીય GSTનો હિસ્સો રૂપિયા 26,039 કરોડ, રાજ્ય GST નો હિસ્સો રૂપિયા 33,396 કરોડ અને સંકલિત જીએસટીનો હિસ્સો રૂપિયા 81,778 કરોડ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રૂપિયા10,505 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂપિયા 825 કરોડ સહિત) સેસના માધ્યમથી એકઠા થયા હતા.