નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટને નિયંત્રણ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રના પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પર રજૂ થતી સામગ્રીને મોડરેટ કરવાના નવા નિયમો જાહેર કર્યા છે.
ડિજિટલ મીડિયા પર પારદર્શિતા અને જવાબદેહીનો અભાવ અને વપરાશકર્તાઓના અધિકારોના ખુલ્લેઆમ ભંગને ધ્યાનમાં લઈને આ નિયમો લાવવામાં આવ્યા છે. આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે પત્રકારોને જણાવ્યું કે "સોશિયલ મીડિયામાં મૂકાતી સામગ્રી પર નજર રાખવા માટે" તથા સોશિયલ મીડિયાના યુઝર્સને અધિકારો આપવા માટે નવા નિયમો લાવવામાં આવ્યા છે. આઈટી પ્રધાને જણાવ્યું કે ભારતમાં સોશિયલ મીડિયા કંપનીઓ બિઝનેસ કરે તેને સરકાર આવકાર આપે છે, કેમ કે તેનાથી આમ ભારતીયનું સશક્તિકરણ થઈ રહ્યું છે. પ્રધાને વધુમાં જણાવ્યું કે સરકાર ટીકાને આવકારે છે અને વિરોધ કરવાનો અધિકાર સૌને છે, પરંતુ સાથોસાથ એ પણ જરૂરી છે કે સોશિયલ મીડિયા અંગે કોઈ ફરિયાદ ઊભી થાય તો તેના નિવારણ માટેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. ગેરરીતિ અને દુરુપયોગનું નિવારણ થાય તે પણ જરૂરી છે.
નવા નિયમોમાં સોશિયલ મીડિયા ઇન્ટરમિડિયરીઝ અને પ્રભાવશાળી સોશિયલ મીડિયા ઇન્ટરમિડિયરીઝ એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. કોઈ સોશિયલ મીડિયા પર કેટલા યુઝર્સ છે તેના આધારે આ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવશે. નવા નિયમો અનુસાર ફરિયાદ નોંધણી અને તેના નિવારણ માટેના ત્રી સ્તરિય તંત્રની ગોઠવણી માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે.
રવિશંકર પ્રસાદના જણાવ્યા અનુસાર "સોશિયલ મીડિયા પર અભદ્ર તસવીરો હોય તે યોગ્ય નથી અને ફરિયાદ નિવારણ માટે અસરકારક વ્યવસ્થા હોય તેના પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. સરકાર સોશિયલ મીડિયાને મજબૂત કરવા માગે છે અને અમે ટીકા તથા વિરોધના અધિકારને આવકારીએ છીએ. પરંતુ છેલ્લા થોડા સમયથી અમને મોટા પ્રમાણમાં ફરિયાદો મળી રહી છે."
તેઓ વધુમાં જણાવે છે કે, "સોશિયલ મીડિયાના યુઝર્સને પોતાની ફરિયાદના નિવારણ માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળે તે અનિવાર્ય છે અને કોઈની આબરૂને દાઘ લગાવવામાં આવે તે યોગ્ય નથી."
નવી માર્ગદર્શિકા પ્રમાણે હવેથી યુઝર્સની ભદ્રતાને ખાસ કરીને મહિલાઓના ચારિત્ર્યનું હનન કરે તે પ્રકારની પોસ્ટને 24 કલાકમાં હટાવી દેવી પડશે. સોશિયલ મીડિયા કંપનીએ મુખ્ય ફરિયાદી અધિકારીની પણ નિમણૂક કરવી પડશે. સાથે જ અયોગ્ય પોસ્ટ સૌ પહેલા કોણે તૈયાર કરીને મૂકી હતી તે પણ શોધીને જણાવવું પડશે.
(1) સોશિયલ મીડિયા માટેની નવી સરકારી માર્ગદર્શિકા
સોશિયલ મીડિયા ઇન્ટકમિડિયેટરીઝ :
સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બે પ્રકારે વહેંચવામાં આવ્યા છે - સોશિયલ મીડિયા ઇન્ટકમિડિયેટરીઝ અને સિગ્નિફિકન્ટ ઇન્ટકમિડિયેટરીઝ.
સોશિયલ મીડિયાના યુઝર્સની સંખ્યા કેટલી છે તેના આધારે આ બે પ્રકાર પાડવામાં આવશે. વિશાળ પ્રમાણમાં યુઝર્સ હોય તેને મહત્ત્વના પ્લેટફોર્મ ગણાશે. યુઝર્સની સંખ્યા અંગે સરકાર અલગથી જાહેરાત કરશે.
સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સ અથવા વિક્ટિમ્સની ફરિયાદોની નોંધણી અને તેના નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી પડશે.