- 10 માર્ચ છે પ્રો. ઉડુપી રામચંદ્ર રાવની જન્મજયંતિ
- ભારતના આ મહાન વૈજ્ઞાનિકને ગૂગલે ડૂડલ બનાવી યાદ કર્યાં
- ભારતના સ્પેસ મિશનના તેઓ કર્ણધાર રહ્યાં હતાં
નવી દિલ્હીઃ આજે ભારતના સેટેલાઈટ મેન ગણાયેલાં પ્રોફેસર ઉડુપી રામચંદ્ર રાવની જન્મજયંતિ છે. તેમને વિશેષ સ્મરણાંજલિ આપતાં સર્ચ એન્જીન ગૂગલે તેમને ડૂડલથી સન્માનિત કર્યા છે. ડૂડલમાં તેમને પૃથ્વી અને તારાઓની પૃષ્ઠભૂમિ સાથે બતાવ્યાં છે. પ્રોફેસર ઉડુપી રામચંદ્ર રાવે ઇસરોના અધ્યક્ષ તરીકે 1975માં ભારતના પ્રથમ ઉપગ્રહ "આર્યભટ્ટ" ના પ્રક્ષેપણની દેખરેખ રાખી હતી. પ્રોફેસર ઉડુપી રામચંદ્ર રાવને 1976માં પદ્મ ભૂષણ અને 2017માં પદ્મવિભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચોઃ ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્પેસ સેક્ટર મહત્વની ભૂમિકા ભજવશેઃ ISRO ચીફ
પહેલા ઉપગ્રહ "આર્યભટ્ટ"ના લોન્ચિંગનું સુપરવિઝન કર્યું
પ્રો. ઉડુપી રામચંદ્ર રાવ 1932માં કર્ણાટકના એક અંતરિયાળ ગામમાં જન્મ્યાં હતાં. તેમણે પોતાની કારકિર્દી મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના સહાયક તરીકે શરુ કરી હતી. પ્રો. રાવ ડૉક્ટરેટ પૂર્ણ કર્યાં બાદ અમેરિકા ગયાં અને ત્યાં પ્રોફેસર તરીકે કામ કર્યું. તેમણે નાસાના પાયોનિયર અને એક્સપ્લોરર સ્પેસ પ્રોબ પર પ્રયોગો કર્યાં હતાં. પ્રો. રાવ 1966માં ભારત પરત આવ્યાં અને 1972માં આપણાં દેશના ઉપગ્રહ કાર્યક્રમને ગતિ પૂરી પાડવા પહેલાં અંતરિક્ષ વિજ્ઞાનની મહત્ત્વની સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં હાઈ એનર્જી સ્પેસ સાયન્સ પ્રોગ્રામની શરુઆત કરી હતી. તેમણે 1975માં ભારતના પહેલા ઉપગ્રહ "આર્યભટ્ટ"ના લોન્ચિંગનું સુપરવિઝન કર્યું હતું જેમાં તેમણે 20થી વધુ સેટેલાઈટ વિકસાવ્યાં હતાં જેણે સંચાર અને હવામાન સંબંધી સેવાઓમાં મોટો સુધારો લાવીને ગ્રામીણ ભારતનો ચહેરો બદલવાની ભૂમિકા ભજવી હતી.
પ્રો. રાવની અદભૂત દેન- પીએસએલવી
1984થી 1994 સુધી પ્રો. રાવ ભારતના સ્પેસ પ્રોગ્રામને અંતરિક્ષ અનુસંધાન સંગઠનના અધ્યક્ષના રુપમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. તેમણે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-પીએસએલવી રોકેટ ટેકનિક વિકસાવી હતી. જેમાં 250થી વધુ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યાં હતાં. 2013માં સેટેલાઈટ હૉલ ઓફ ફેમમાં સમાવિષ્ટ થનારા તેઓ પહેલાં ભારતીય હતાં. એ જ વર્ષમાં પીએસએલવીએ ભારતનું પહેલું ઇન્ટરપ્લેનેટરી મિશન- મંગલયાન-એ ઉપગ્રહ લોન્ચ કર્યું હતું જે આજે મંગળની પરિક્રમા કરે છે. પ્રો. રાવનું 2017માં નિધન થયું હતું.
આ પણ જુઓઃ LIVE : શ્રી હરિકોટાથી PSLV C50નું લોન્ચિંગ