ગિરિડીહ : ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શનિવારે મોડી સાંજે એક પેસેન્જર બસ બરાકર નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. પ્રશાસને આ અકસ્માતની તપાસ શરૂ કરી હતી. જેમાં એક પછી એક અનેક બાબતો સામે આવી. વાહનની સ્પીડ તો અકસ્માતનું કારણ હતું. પરંતુ આ સાથે એક લાલ રંગની કારને પણ અકસ્માતનું કારણ જણાવવામાં આવ્યું છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ વાહનના કાગળોમાં ગડબડ જોવા મળી હતી.
બસ દુર્ઘટનાની તપાસ : આ દુર્ઘટના પછી બાબા સમ્રાટ આલીશાન નામની બસના કાગળો પર સવાલો ઉઠી રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આ બસનો વીમો સ્કૂટરનો હોવાનું કહેવાય છે. ગિરિડીહ બસ દુર્ઘટના બાદ વાહનના કાગળોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ તપાસમાં હાઇસ્પીડ પાછળ પરમીટના સમયનો મામલો સામે આવ્યો હતો. તો બીજી તરફ બસના વીમા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે બસ રજીસ્ટ્રેશન નંબર JH 07H 2906 નો વીમો ઓનલાઈન ચેક કરવામાં આવ્યો. ત્યારે, તેમાં પણ વિસંગતતા જોવા મળી હતી.
બસ નંબર પર સ્કૂટરનો વીમો : આ બસનો વીમા પોલિસી નંબર 1130003123010240021524 છે. પરંતુ જ્યારે તેની ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે આ રજિસ્ટર્ડ નંબર પરનો વીમો ન્યુ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીની ટુ વ્હીલર પેકેજ પોલિસી હોવાનું બહાર આવ્યું. આ પોલિસી નંબર સ્કૂટર (બજાજ સ્પિરિટ) ના વીમા પેપરમાં ઉલ્લેખિત છે. આ નંબર પર જારી કરવામાં આવેલી પોલિસી પંકજ કુમારના નામે દેખાઈ રહી છે. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત બસ રાજુ ખાનના નામે છે. ગિરિડીહના ડીસી નમન પ્રિયેશ લકડાને પણ ઓનલાઈનથી મળેલા ઈન્સ્યોરન્સ પેપર્સની માહિતી મળી છે. ડીસીએ આ બાબતે તપાસ શરૂ કરી છે. આ સાથે અધિકારીઓને વીમા સિવાયના અન્ય કાગળોની ચકાસણી કરવા માટે કહેવામાં આવ્યું છે.