નવી દિલ્હી:ભાજપે ગાંધી પરિવાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તે પોતાને 'અલગ, ચુનંદા અને બંધારણથી ઉપર' માને છે. રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યા બાદ વિપક્ષ કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. કેન્દ્રીયપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વાયનાડના સાંસદને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ ગેરલાયક ઠેરવવામાં આવ્યા તેની સાથે ભાજપ કે સરકારને કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો:Budget session 2023: રાહુલ અને અદાણીના મુદ્દે બંને ગૃહોમાં હોબાળો
વિપક્ષ પર પ્રહાર: ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે જે રીતે કોંગ્રેસના નેતાઓ ન્યાયિક અને કાયદાકીય કવાયતને લઈને હોબાળો મચાવી રહ્યા છે. તે દર્શાવે છે કે તેઓ ગાંધી પરિવારને ભારતની ન્યાયિક પ્રક્રિયા, બંધારણ અને લોકશાહી પ્રણાલીથી ઉપર માને છે. રાજસ્થાનના સાંસદ શેખાવતે જણાવ્યું હતું કે સુરતની અદાલતે 'મોદી અટક' વિશેની તેમની ટિપ્પણી બદલ માફી માંગવાની ઘણી તકો આપી હતી. પરંતુ ન્યાયતંત્ર તેમના પરિવારની વિરુદ્ધ હોવાનું વિચારીને તેમણે ના પાડી દીધી હતી.
ગાંધી પરિવાર પર આરોપ: તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદો પોતાનો માર્ગ અપનાવી ચૂક્યો છે અને ભાજપ કે સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. શેખાવતે આરોપ લગાવ્યો કે ગાંધી પરિવાર પોતાને 'અલગ અને બંધારણથી ઉપર' માને છે. તેમણે કહ્યું કે આ રીતે કોઈ પણ સાંસદને ગેરલાયક ઠેરવવાના મામલે લોકસભા પાસે કોઈ વિવેકાધીન સત્તા નથી. તેમણે કહ્યું કે જે લોકો લોકશાહી ખતરામાં હોવાનો દાવો કરી રહ્યા છે. તેઓ ન્યાયિક ચુકાદા અને કાયદાકીય કાર્યવાહી સામે રસ્તા પર દેખાવો કરીને લોકશાહી પ્રણાલીનું અપમાન કરી રહ્યા છે.
આ પણ વાંચો:Opposition in Parliament: લોકસભામાં વિપક્ષનો વિરોધ, સ્પીકર પર કાગળ અને કાળી પટ્ટી ફેંકી
વીર સાવરકરનું અપમાન કરવાનો આરોપ: તેમણે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે અને જયરામ રમેશ જેવા કોંગ્રેસના નેતાઓ તેમના આચરણથી રાજ્યસભાના અધ્યક્ષનું અપમાન કરી રહ્યા છે. તેમણે ગાંધી પર વીર સાવરકરનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. શેખાવતે કહ્યું, 'રાહુલ ગાંધીએ સાચું કહ્યું છે કે તેઓ સાવરકર નથી. જો રાહુલ ખરેખર સાવરકરને જાણવા માગતા હોય તો તેમણે આંદામાન જેલમાં જવું જોઈએ અને ત્યાં સમય પસાર કરવો જોઈએ જેથી તેઓ જાણી શકે કે સાવરકર ખરેખર કોણ હતા અને તેમણે શું બલિદાન આપ્યું હતું.