નવી દિલ્હી :આજથી દિલ્હીમાં G20 સમિટની શરુઆત થઈ રહી છે. આ સમિટમાં પહોંચવા અમદાવાદનો યુવક મૌલિક તેના મિત્ર સિદ્ધાર્થ સાથે તેની ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા છે. આ 2 યુવક સમિટમાં જઈ રહ્યા છે તે કોઈ નવાઈની વાત નથી. પરંતુ જે ગાડીમાં તેઓ અમદાવાદથી દિલ્હી ગયા છે, તે જેગુઆર કાર સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.
ધ અમેઝિંગ કાર : ગુજરાતના આ બંને યુવાનો પોતાની કારને G20 સમિટની થીમ આધારિત રંગોથી રંગીને દિલ્હી પહોંચ્યા છે. તેઓએ પોતાની આ યાત્રામાં તિરંગા યાત્રા નામ આપ્યું છે. આ અંગે મૌલીકે જણાવ્યું હતું કે, આપણા દેશમાં થઈ રહેલી G20 સમિટ માટે અમે અમદાવાદ ગુજરાતમાંથી આવ્યા છીએ. અમે કારને G20 ની થીમ પર ડિઝાઇન કરી છે. અમે અમારી યાત્રાને તિરંગા યાત્રા નામ આપ્યું છે. હું અને મારો મિત્ર સિદ્ધાર્થ ચાર વખત સુરતથી દિલ્હી ગયા છીએ. અત્યારે અમે બંને સીધા ગુજરાતથી આવી રહ્યા છીએ, જેમાં લગભગ 24 કલાક લાગ્યા હતા. હું G20 અંગે દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.
G20 સમિટ : ઉલ્લેખનિય છે કે, નવી દિલ્હી એરપોર્ટ પર G20 સમિટના મહેમાનો અને પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય ઔપચારિક લાઉન્જ, વિશેષ ઇમિગ્રેશન કાઉન્ટર્સ, વોટરફોલ્સ, અભિવ્યક્ત હોર્ડિંગ્સ અને પ્રકાશિત G20 લોગો જેવી સુવિધા હતી. આજે 9 અને આવતીકાલ 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનાર આ G20 સમિટમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી મહેમાનો દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેમાં યુએસ પ્રમુખ જો બાઈડેન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને અન્ય ઘણા નેતાઓ ભારત મંડપમ ખાતે પધાર્યા હતા.