- યુવરાજ સિંહને જાતિવાદી ટિપ્પણી માટે હરિયાણા પોલીસ સમક્ષ હાજર થવાનું કહ્યું
- યુવરાજે અનુસૂચિત જાતિ શબ્દનો અપમાનજનક અર્થમાં ઉપયોગ કર્યોઃ હાઇકોર્ટની બેન્ચ
- એપ્રિલ 2020માં કોવિડ -19 લોકડાઉન દરમિયાન ધટના બની હતી
ચંદીગઢઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને જાતિવાદી ટિપ્પણીના કથિત ઉપયોગના કેસમાં હરિયાણા પોલીસ સમક્ષ હાજર થવાનું કહ્યું છે. કેસ સાથે સંકળાયેલા વકીલોએ જણાવ્યું હતું કે, કોર્ટે પોલીસને ધરપકડના કિસ્સામાં જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
અનુસૂચિત જાતિ શબ્દનો અપમાનજનક અર્થમાં ઉપયોગ કર્યોઃ નિતિકા ગેહલોત
એક રિપોર્ટ અનુસાર, અગાઉ હરિયાણા પોલીસે હાઈકોર્ટને કહ્યું હતું કે, પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને ઔપચારિક રીતે ધરપકડ કરવાની જરૂર છે. હાંસીના એસપી નિતિકા ગેહલોતે હાઇકોર્ટની બેન્ચને જણાવ્યું હતું કે, યુવરાજે અનુસૂચિત જાતિ શબ્દનો અપમાનજનક અર્થમાં ઉપયોગ કર્યો હતો, જેના કારણે જાતિના લોકોનું અપમાન થયું હતું.
પોલીસે કોર્ટને જણાવ્યું કે, તપાસ લગભગ પૂરી થઈ ગઈ છે. આરોપોની પ્રકૃતિને જોતા, આ કેસમાં ઔપચારિક ધરપકડ માટે તેમની વ્યક્તિગત હાજરી જરૂરી છે. તેથી, તેને તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવો જોઈએ. એફઆઈઆર રદ કરવા માટે ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવેલી પૂર્વ ક્રિકેટરની અરજીનો પોલીસ જવાબ આપી રહી હતી.