- કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે યોજી હતી પ્રેસ કોન્ફરન્સ
- પ્રેસ કોન્ફરન્સમાં નોકરિયાત વર્ગ માટે કરી હતી જાહેરાત
- 15 હજારથી ઓછો પગાર ધરાવતા લોકોનું PF સરકાર ચૂકવશે
ન્યૂઝ ડેસ્ક : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા અલગ અલગ 8 રાહત પેકેજ (Guarantee Scheme) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health Sector), લોન ગેરંટી, ક્રેડિટ ગેરંટી સ્કીમ (Credit Guarantee Scheme), પર્યટન ક્ષેત્ર, આત્મનિર્ભર ભારત રોજગાર સહિતના ક્ષેત્રો અને યોજનાઓનો સમાવેશ થાય છે. આ રાહત પેકેજમાં એક મહત્વપૂર્ણ જાહેરાત નોકરિયાત વર્ગ માટે કરવામાં આવી છે. જેમાં 15 હજાર કે તેથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓનું 12 ટકા પ્રોવિડન્ટ ફંડ આત્મનિર્ભર ભારત રોજગાર સ્કીમ અંતર્ગત ચૂકવવામાં આવશે. જેની અવધી માર્ચ 2021 સુધી રાખવામાં આવી છે.
સ્વાસ્થ્ય ક્ષેત્ર
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health Sector) માટે 50 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી ઇમરજન્સી હેલ્થ સેવા માટે આ વર્ષે 23,220 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે આ માટે 15 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી 9 હજાર જેટલા કોવિડ હેલ્થ સેન્ટર બન્યા હતા. લોન ગેરંટી સ્કીમ હેઠળ હેલ્થ સેક્ટર માટે 100 કરોડથી વધારે લોન રકમ ફાળવવામાં આવી છે. જેના પર મહત્તમ 7.95 ટકા વ્યાજદર ગણાશે. જ્યારે અન્ય સેક્ટર્સ માટે મહત્તમ વ્યાજદર 8.25 ટકા રાખવામાં આવ્યું છે.
લોન ગેરંટી સ્કીમ
- સ્વાસ્થ્ય ક્ષેત્રો માટે 50 હજાર કરોડ રૂપિયા
- અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયા
- સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે લોન પર મહત્તમ 7.95 ટકા વાર્ષિક વ્યાજ
- અન્ય ક્ષેત્રો માટે લોન પર મહત્તમ 8.25 ટકા વાર્ષિક વ્યાજ
પર્યટન ક્ષેત્ર
પર્યટન ક્ષેત્ર (Tourism Sector) માં ટૂરિસ્ટ ગાઇડ અને અન્ય સ્ટેક હોલ્ડર્સ માટે એક સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેઓ પર્સનલ લોન લઈ શકશે. આ સાથે સરકાર તરફથી 100 ટકા ગેરંટી સાથે નવો બિઝનેસ શરૂ કરવામાં પણ મદદ કરવામાં આવશે. આ માટે પ્રતિ એજન્સી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. જો ટૂરિસ્ટ ગાઇડ લાઈસન્સ ધરાવતો હશે, તો તેને કોઈપણ પ્રકારના ગુપ્ત ચાર્જ વગર 1 લાખ રૂપિયા આપવામાં આવશે.
ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS)
- ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધારાના આપવામાં આવશે
- ECLGSના શરૂઆતી ત્રણ તબક્કામાં 2.69 લાખ કરોડ રૂપિયાનું વિતરણ
- આ સ્કીમમાં સૌથી પહેલા 3 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી
- સ્કીમનો વિસ્તાર વધારીને હાલમાં 4.5 લાખ કરોડ કરવામાં આવ્યો