બેંગલુરુ : વિમાનમાં ઉડાન દરમિયાન પ્રવાસીઓ સાથે ગેરવર્તણૂક અને સુરક્ષા નિયમોના ઉલ્લંઘનના સમાચાર ખૂબ વધી ગયા છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક નવો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પ્રવાસીએ ફ્લાઈટની વચ્ચે પ્લેનના ટોઈલેટમાં સિગારેટ પીવા માટે લાઈટરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના શનિવારે આસામથી બેંગલુરુ જતી ઈન્ડિગોની ફ્લાઈટ દરમિયાન બની હતી. આરોપી પ્રવાસીની ઓળખ 20 વર્ષીય સેરી ચૌધરી તરીકે થઈ છે.
આરોપીને બેંગલુરુમાં પોલીસને સોંપવામાં આવ્યો : મીડિયામાં ઉપલબ્ધ માહિતી અનુસાર, આરોપીને બેંગલુરુમાં પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી પોતાની સીટ પરથી ઉઠ્યો અને ફ્લાઈટની વચ્ચે ટોઈલેટમાં ગયો હતો. તે અંદર હતો ત્યારે પ્લેનમાં ફાયર એલાર્મ વાગવા લાગ્યું હતું. એરક્રાફ્ટના ક્રૂ મેમ્બર્સે તેને દરવાજો ખોલવાનું કહ્યું, ત્યારે તેની પાસેથી સિગારેટ અને લાઈટર મળી આવ્યું હતું.