ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફ્લેશબેક 2023 : ચંદ્ર પર ત્રિરંગો લહેરાયો, ચંદ્રયાન-3 નું ઐતિહાસિક લુનાર લેન્ડિંગ - આદિત્ય L1 સૌર મિશન

ચંદ્રયાન-3 નું ઐતિહાસિક લુનાર લેન્ડિંગ, ભારતીય અવકાશ ક્ષેત્ર માટે 2023 ની સૌથી ખુશીની ક્ષણોમાંની એક હતી. આ તકે આખા દેશે એકસાથે ઉજવણી કરી હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના આ ઐતિહાસિક અભિયાન પર ETV BHARAT ના ઇર્શાદ ખાનનો વિશેષ અહેવાલ

ચંદ્ર પર ત્રિરંગો લહેરાયો
ચંદ્ર પર ત્રિરંગો લહેરાયો

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 11:03 AM IST

હૈદરાબાદ :વર્ષ 2023 ભારતીય અવકાશ સંશોધન માટેનું સ્વર્ણિમ વર્ષ હતું એમ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નહીં થાય. 7 સપ્ટેમ્બર 2019 ના રોજ ચંદ્રયાન-2 મિશનની દુઃખદ નિષ્ફળતા બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ 23 ઓગસ્ટ, 2023 ના રોજ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં લાંબી મજલ કાપી હતી. ISRO વડા એસ. સોમનાથે આ તકે કહ્યું હતું,અમે સોફ્ટ લેન્ડિંગ હાંસલ કર્યું છે, ભારત ચંદ્ર પર છે. આ શબ્દો દરેક ભારતીયની સ્મૃતિમાં તેમજ વિશ્વના ઇતિહાસમાં કોતરાઈ ગયા હતા.

ઐતિહાસિક લુનાર લેન્ડિંગ :આ ક્ષણ કોઈ સામાન્ય સિદ્ધિ નહોતી, કારણ કે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું હતું. ઉપરાંત યુનાઈટેડ સ્ટેટ્સ, સોવિયેત યુનિયન અને ચીન પછી ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથું રાષ્ટ્ર બન્યું હતું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનો સમાવેશ કરતું ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈ, 2023 ના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC-SHAR) પરથી LVM3-M4 વાહનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટના રોજ ઉતરાણના દિવસે ચંદ્રયાને ચંદ્રની સપાટી પર ઐતિહાસિક ટચડાઉન કર્યું હતું. ત્યારબાદ પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવ્યું હતું.

પ્રોપલ્શન મોડ્યુલની ઘરવાપસી :ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડ્યુલ 22 નવેમ્બર 2023 ના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું હતું. 9 ઓક્ટોબર 2023 ના રોજ શરૂ થયેલ મિશન દરમિયાન તેણે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરી મિશનના ઉદ્દેશ્ય પૂર્ણ કર્યો, જે ઈસરોના વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટીની રચના સમજવામાં મદદ કરશે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 ના સોફ્ટ લેન્ડિંગ અને પ્રોપલ્શન મોડ્યુલના પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછા ફરવા વચ્ચે ઈસરોએ આશા વ્યક્ત કરી હતી કે આ મિશન ચંદ્ર પર બીજી વાર ઉતરાણ કરવા માટે સપોર્ટ કરશે.

ISRO તેની શરૂઆત બાદ ઘણી લાંબી મજલ કાપી આ શિખર પર પહોંચ્યું છે. ભૂતકાળમાં જ્યારે ફેક્ટરીઓ પર આધાર રાખવો પડતો હતો, જ્યારે હવે ઈસરો ખુદ વિશ્વ-કક્ષાના પ્રોપેલન્ટ્સનું ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ ધરાવે છે. -- એસ. સોમનાથ (ઈસરો ચીફ)

મિશન 2035 માટે સીમાચિહ્નરૂપ :ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ રાષ્ટ્ર બનાવવા ઉપરાંત મિશન 2035 માટે ચંદ્રયાન 3 મિશન ગેમ ચેન્જર હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, મિશન 2035 અંતર્ગત વર્ષ 2035 સુધીમાં ચંદ્ર પર પ્રથમ સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવા અને ચંદ્રની સપાટી પર પ્રથમ ભારતીયને મોકલવાનું આયોજન છે. ચંદ્રયાન 3 મિશનની સફળતા ઇસરો દ્વારા અવકાશ સંશોધન માટે ખાનગી ખેલાડીઓ માટે ચંદ્રની સપાટી ખુલ્લી મૂકવાની તક છે.

ISRO નું આગામી લક્ષ્ય "સૂર્ય" :જો તમને લાગતું હોય કે ચંદ્રયાન-3 મિશનના સફળ સોફ્ટ-લેન્ડિંગ પછી ISRO મિશનની સફળતાનો આનંદ માણશે અને આરામ કરશે, તો તમે ખોટા છો. ચંદ્ર મિશનના ત્વરિત ફોલોઅપમાં ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી 2 સપ્ટેમ્બરના રોજ મહત્વાકાંક્ષી આદિત્ય-L1 સૌર મિશન લોન્ચ કર્યું હતું. ત્યારબાદ આ અવકાશયાન 125 દિવસમાં પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમીની મુસાફરી કરને સૂર્યની સૌથી નજીક ગણાતા લેગ્રેંગિયન પોઈન્ટ L1 ની આસપાસ હાલો ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે તેવી અપેક્ષા છે. સૌર સપાટીની તપાસ કરવા સહિતના અન્ય હેતુ સાથે ભારતનું આદિત્ય L1 મિશન વૈજ્ઞાનિક પ્રયોગો માટે સૂર્યના ચિત્ર મેળવીને ISRO ને ટ્રાન્સમિટ કરશે.

આદિત્ય- L1 આવતા મહિનાની શરૂઆતમાં જાન્યુઆરી 2024 ના પ્રથમ સપ્તાહની આસપાસ તેના ગંતવ્ય સ્થાન લાગ્રેન્જ પોઇન્ટ 1 પર પહોંચશે. -- ડો. જિતેન્દ્ર સિંહ (કેન્દ્રીય પ્રધાન)

આદિત્ય-L1 સૌર મિશનનું ઉદ્દેશ્ય :ISRO ની વેબસાઇટ અનુસાર L1 પોઈન્ટ પર તેના આગમન પર આદિત્ય-L1 ને પોઈન્ટ L1 ની આસપાસની ભ્રમણકક્ષા સાથે જોડશે. પોઈન્ટ L1 પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સંતુલિત ગુરુત્વાકર્ષણ સ્થાન છે. L1 લાગ્રેન્જ પોઈન્ટ પર વ્યૂહાત્મક પ્લેસમેન્ટ સુનિશ્ચિત કરે છે કે આદિત્ય-L1 સૂર્ય પર સતત અને અવિરત નજર રાખી શકે છે. ISRO એ જણાવ્યું હતું કે, ચોક્કસ સ્થાન મેળવવાથી ઉપગ્રહ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણથી પ્રભાવિત થાય તે પહેલાં સૌર કિરણોત્સર્ગ અને ચુંબકીય વાવાઝોડાની માહિતી મેળવી શકશે.

ભારતીય સ્પેસ પ્રોગ્રામની યાત્રા :આદિત્ય L1 સૌર મિશનના સફળ લોન્ચ બાદ ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, મિશન તેના નિશ્ચત માર્ગ પર છે અને તેના અંતિમ તબક્કાની નજીક છે. કેરળના તિરુવનંતપુરમમાં પ્રથમ સાઉન્ડિંગ રોકેટ લોન્ચના 60 માં વર્ષ નિમિત્તે મીડિયા સાથે વાત કરતા ઈસરો ચીફ સોમનાથે જણાવ્યું હતું કે, ભારતીય અવકાશ પ્રોગ્રામના પિતા વિક્રમ સારાભાઈએ ઉપરી અવકાશના અવાજ પર પ્રયોગ કરવાના હેતુથી યતુમ્બાને ઓળખી કાઢ્યો ત્યારથી અત્યાર સુધીના 60 વર્ષ રોકેટ્રીની એક મહાન યાત્રા હતી.

શૂન્યથી શિખર સુધીની સફર :પ્રથમ સાઉન્ડિંગ રોકેટ લોન્ચના 60 મા વર્ષે ISRO એ ભારતમાં રોકેટરીના ઐતિહાસિક પાસાઓ અને ISRO માં થયેલા ફેરફારો પર એક દસ્તાવેજ બહાર પાડ્યો છે. ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, ISRO તેની શરૂઆત બાદ ઘણી લાંબી મજલ કાપી આ શિખર પર પહોંચ્યું છે. ભૂતકાળમાં જ્યારે ફેક્ટરીઓ પર આધાર રાખવો પડતો હતો, જ્યારે હવે ઈસરો ખુદ વિશ્વ-કક્ષાના પ્રોપેલન્ટ્સનું ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ ધરાવે છે. આ માત્ર એક વિસ્ફોટક જ નહીં વિશ્વ કક્ષાનું પ્રોપેલન્ટ છે. એવા રોકેટની ડિઝાઈનિંગ જેને શ્રેષ્ઠ બનાવવામાં વર્ષો લાગ્યા હતા તે હવે એક અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે.

  1. Year Ender 2023: મણિપુર હિંસાએ સમગ્ર દેશ, નાગરિકો અને પાર્લિયામેન્ટ હચમચાવી દીધા
  2. YEAR ENDER 2023: એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ છવાઈ ગયા

ABOUT THE AUTHOR

...view details