નવી દિલ્હીઃતિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા બાદ ગુરુવારે જેલ અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેલ ડીજીના આદેશ પર તિહારની વિવિધ જેલોના 99 જેલ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન તેમજ દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની જેલમાં તૈનાત જેલ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ETV ભારત તિહાર જેલમાં ગેરવહીવટ અને બેદરકારીના સમાચાર સતત પ્રકાશિત કરી રહ્યું છે. વિશેષ અહેવાલ પણ એક દિવસ અગાઉ પ્રકાશિત કરવામાં આવી હતી. જો પૈસા, પ્રભાવ અને સત્તા હોય તો તિહાર જેલમાં બધું જ મળે છે. જેની અસર પડી છે અને આખરે 99 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.
પ્રથમ વખત મોટા પાયે થઈ છે ટ્રાન્સફર: તાજપુરિયાની હત્યા બાદ મોટી કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલીવાર જેલ અધિકારીઓને આટલા મોટા પાયે ખસેડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 11 નાયબ અધિક્ષક અને 12 સહાયક અધિક્ષકના નામ પણ સામેલ છે. લગભગ એક ડઝન હેડ વોર્ડન અને વોર્ડન સામેલ છે. બીજી તરફ નિષ્ણાતો તિહાર જેલમાં ટ્રાન્સફરની આટલી મોટી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારની જીત સાથે પણ જોડી રહ્યા છે.
તિહારની વિશ્વસનીયતા ખરડાઈ છે: છેલ્લા કેટલાક વર્ષોમાં, જેલમાં ગેંગ વોર અને કેદીઓ વચ્ચે અથડામણ વધી છે. આનાથી તેની પ્રતિષ્ઠા કલંકિત થઈ છે. ગેંગસ્ટરો અને તેમના સાથીદારો જેલની અંદર અને બહાર પોતાનો ડર જાળવી રાખવા માટે સમયાંતરે ઘટનાઓ કરે છે. બદમાશો સાથે અધિકારીઓની મિલીભગત હોવાનું અનેકવાર કહેવાય છે. ભારતમાં ક્રાઇમ કરનારને કડક સજા આપવામાં આવે છે. પંરતુ જેલમાં જઇને શું મજા થઇ રહી છે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે જે બહાર મજા નથી થતી એટલી મજા જેલ અંદર થઇ રહી છે.
ગુજરાત જેલમાં તપાસ:તારીખ 24 માર્ચ અને શુક્રવારની મોડી રાતે રાજ્યની પોલીસે ઓપરેશન જેલ શરૂ કર્યું હતું. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સુચના બાદ રાજ્યભરની જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓના મોબાઇલ ફોન પણ લઈ લેવામાં આવ્યા હોવાની ચર્ચા છે. મોટા ભાગની જેલમાં કંઇકને કઇ મળી આવ્યું હતું. દરોડા પાછળનો હેતુ જેલોમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે કે કેમ તે શોધવાનો અને તેને અટકાવવાનો છે. આ સઘન સર્ચ ઓપરેશનમાં સ્નિફર ડોગ્સને પણ જોડવામાં આવ્યા હતા. ગુજરાતની 17 જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 1,700 પોલીસ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા.