ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો બંધારણમાં કેટલીવાર સુધારો કરાયો, બંધારણની આશાઓ અને આકાક્ષાઓનું પ્રતિબિંબ અને બંધારણના સ્ત્રોત વિશે...... - A reflection of the hopes and aspirations of the Constitution

આજે બંધારણ દિવસ છે. બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતાવાળી ડ્રાફ્ટ કમિટી દ્વારા ભારતના લોકો માટે બંધારણ ઘડયું હતું. બંધારણનો 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધીમાં બંધારણમાં કેટલાય સુધારાઓ કરવામાં આવ્યા છે, ત્યારે આજદિન સુધી આપણા બંધારણમાં કેટલા સુધારણા કરવામાં આવ્યા તેમજ બંધારણની આશાઓ અને આકાક્ષાઓનું પ્રતિબિંબ અને ભારતીય બંધારણના સ્ત્રોત વિશે જાણો ETV ભારતના વિશેષ અહેવાલમાં......

ભારતીય બંધારણ
ભારતીય બંધારણ

By

Published : Nov 26, 2020, 8:30 AM IST

  • ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતાવાળી ડ્રાફ્ટ કમિટી દ્વારા ઘડાયું હતું ભારતનું બંધારણ
  • બંધારણમાં કુલ 103 વખત સુધારો કરવામાં આવ્યો
  • ભારતીય બંધારણના અનેક દેશી અને વિદેશી સ્ત્રોત
  • ભારતના બંધારણના નિર્માણમાં કેટલાક દેશોની મદદ લેવામાં આવી

ન્યૂઝ ડેસ્કઃ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતાવાળી ડ્રાફ્ટ કમિટી દ્વારા ભારતના લોકો માટે ઘડયું હતું. બંધારણનો 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં બંધારણમાં કુલ 103 વખત સુધારો કરવામાં આવ્યો છે. ચાલો એક નજર કરીએ કે ભારતના બંધારણમાં કેટલી વાર અને કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન સુધારણા કરવામાં આવ્યા હતા.

પંડિત જવાહરલાલ નેહરૂના કાર્યકાળ દરમિયાન 17 વખત બંધારણમાં સુધારો કરાયો

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 1947 થી લઇને 1964 સુધીના પોતાના કાર્યકાળ દરમિયાન 17 વખત બંધારણમાં સુધારો કર્યો હતો.1951માં પ્રથમ વખત નહેરુના શાસન દરમિયાન બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમયગાળા માટે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.

ભારતીય બંધારણ

લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ત્રણ વખત સુધારો કરાયો

પંડિત નહેરુ પછી, લાલ બહાદુર શાસ્ત્રીએ લગભગ 2 વર્ષના શાસન દરમિયાન બંધારણમાં ત્રણ વખત સુધારો કર્યો હતો. ઇન્દિરા ગાંધીના સમય દરમિયાન બંધારણમાં લગભગ 22 વાર સુધારો કરવામાં આવ્યો હતો. તેઓ 1967 થી 1976 સુધી ભારતના વડાપ્રધાન હતા.

મોરારજી દેસાઇના કાર્યકાળ દરમિયાન બે વખત સુધારો કરાયો

ઇન્દિરા ગાંધી બાદ વડાપ્રધાન પદ સંભાળનારા મોરારજી દેસાઇએ તેમના કાર્યકાળમાં બે વાર બંધારણમાં સુધારો કર્યો હતો. મોરારજી દેસાઈ પછી, ઈન્દિરા ગાંધી ફરી એક વખત સત્તા પર પાછા ફર્યા અને આ વખતે 1980 થી 1984 દરમિયાન, તેમણે બંધારણમાં સાત વખત સુધારો કર્યો હતો.

રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન 10 વખત સુધારો કરાયો

ઇન્દિરા ગાંધીની હત્યા પછી, તેમના પુત્ર રાજીવ ગાંધીએ, વડા પ્રધાન પદ સંભાળ્યું હતું, તેમણે 1984 થી 1989 સુધી સત્તા સંભાળી હતી. આ દરમિયાન તેમણે બંધારણમાં 10 વખત સુધારા કર્યા હતા. રાજીવ ગાંધી પછી વી.પી. સિંઘ ભારતના વડાપ્રધાન બન્યા. 1990 થી 1991 સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે બંધારણમાં સાત વખત સુધારો કર્યો હતો.

પી.વી નરસિંમ્હા રાવેના કાર્યકાળ દરમિયાન 10 વખત સુધારો કરાયો

વી.પી. સિંહ બાદ, પી.વી નરસિંમ્હા રાવ ભારતના વડાપ્રધાન બન્યા. તેમના કાર્યકાળમાં બંધારણમાં 10 વખત સુધારા કરવામાં આવ્યા હતા. રાવ બાદ, અટલ બિહારી વાજપેયી સત્તામાં આવ્યા, તેમણે તેમના પાંચ વર્ષના કાર્યકાળ 2000 થી 2004 સુધીમાં 14 વખત બંધારણમાં સુધારો કર્યો હતો.

મનમોહનસિંહેના કાર્યકાળ દરમિયાન 6 વખત સુધારો કરાયો

અટલ બિહારી વાજપેયી બાદ, મનમોહનસિંહે 2004માં વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા અને 2014 સુધી લગભગ 10 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યાં. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે બંધારણમાં 6 વખત સુધારો કર્યો હતો.

નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 5 વખત સુધારો કરાયો

2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી બંધારણમાં પાંચ વખત સુધારા કરવામાં આવ્યા છે.

  • બંધારણની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ

આમુખ એ વાત પર ભાર મૂકે છે કે, બંધારણના ઘડવૈયા લોકો છે અને તેઓ સત્તાના સ્રોત છે. તે લોકોના અધિકારો અને ભારતના નિર્માણમાં સંનિષ્ઠ આકાંક્ષાઓને વર્ણવે છે. બંધારણ સભાના ઉદ્ઘાટન સત્રમાં જવાહરલાલ નહેરુની સમાપન ટીપ્પણીઓ જેનું શીર્ષક ‘બંધારણીય ઉદ્દેશ્યો અને હેતુઓ’ છે, તે, કહેવાય છે કે આમુખ લખવા માટે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે મદદરૂપ થઈ છે. સમગ્રતયા, આમુખ ભારતના બંધારણના મૂળભૂત સ્વભાવનું પ્રતિબિંબ ઝીલે છે.

આમુખ

આપણે, ભારતના લોકોએ, 26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણને ઘડ્યું છે અને આપણને જ રજૂ કર્યું છે. આપણે દેશને ‘સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણતંત્ર’ ઘોષિત કરીએ છીએ.

બંધારણના ઉદ્દેશ્યો

  • દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવો.
  • વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, શ્રદ્ધા અને પૂજાની સ્વતંત્રતા.
  • સમાન દરજ્જો અને સમાન તકો.
  • વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો અને દેશની એકતા-અખંડિતતા

સાર્વભૌમત્વ‘સાર્વભૌમત્વ’નો અર્થ છે ભારતની તેની પોતાની સ્વતંત્ર સતા છે અને તે અન્ય કોઈ બાહ્ય સત્તાનો ખંડણી કે, આશ્રિત દેશ નથી. વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, દેશનાં જોડાણોમાં તેના સભ્યપદથી આપણા દેશ પર અન્ય કોઈ સત્તા થોપાતી નથી.

સમાજવાદી

આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત કરવી અને સામાજિક હેતુઓ માટે સંસાધનોનો ઉપયોગ કરવો.

બિનસાંપ્રદાયિક

'બિનસાંપ્રદાયિક’નો અર્થ થાય છે ‘બિનધાર્મિક’. સરકાર બધા સંપ્રદાયોની સાથે સમાન વ્યવહાર કરે છે.

ગણતંત્ર

લોકો અથવા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિની પદોન્નતિ. તેનો અર્થ થાય છે લોકોની સરકાર.

આમુખમાં શરૂઆતમાં ‘સમાજવાદી’, ‘બિનસાંપ્રદાયિક’ અને ‘અખંડિતતા’ શબ્દો નહોતા. ૧૯૭૬માં ૪૨મા સુધારા દ્વારા તેમને ઉમેરાયા હતા.

  • જાણો ભારતીય બંધારણના સ્ત્રોત વિશે

ભારતીય બંધારણના અનેક દેશી અને વિદેશી સ્ત્રોત છે, પરંતુ ભારતીય બંધારણ પર સૌથી વધારે ભારતીય શાસન અધિનિયમ 1935નો છે. ભારતના બંધારણના નિર્માણમાં કેટલાક દેશોની મદદ લેવામાં આવી છે.

1) સંયુક્ત રાજ્ય અમેરીકા : મૂળભૂત અધિકારો, સર્વોચ્ચ ન્યાયાલય, રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ સેનાપતિ, બંધારણીય સર્વોચ્ચતા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિ પદ, સ્વતંત્ર અને નિરપેક્ષ ન્યાયતંત્ર, ચૂંટાયેલા રાષ્ટ્રપતિની વ્યવસ્થા, સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હટાવવા, ન્યાયિક પુન:અવલોકન, ન્યાયપાલિકાની સ્વતંત્રતા

2) બ્રિટન: કાયદાનું શાસન, નાગરિકતા, સંસદીય વિશેષાધિકાર, સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, કાયદો બનાવવાની પદ્ધતિ, દ્વી-સદનાત્મક સંસદીય પ્રણાલી, આમુખનો પાવર. અધ્યક્ષ હોદ્દો.

3) આયરલેન્ડ: રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા સભ્યોની નિમણૂંક, કટોકટી અંગેની જોગવાઈ, આમુખનો ખ્યાલ

4) ઓસ્ટ્રેલિયા: પ્રસ્તાવના આમુખ, વેપાર, વાણિજ્યની સ્વતંત્રતા, સયુંકત યાદી/ સમવર્તી સૂચિ, સંસદના બંને ગૃહોની સયુંકત બેઠક, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ

5)જર્મની: કટોકટીની જોગવાઈ (મૂળભૂત હકો મોકૂક રાખવાની જોગવાઈ)

6) કેનેડા: સરકારનું અર્ધસંધ્યાત્મક સ્વરૂપ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન, કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂંક, અવિશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે

7) દક્ષિણ આફ્રિકા: બંધારણમાં સુધારાની પ્રક્રિયા, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી.

8) રશિયા: મૂળભૂત ફરજો

9) જાપાન: કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, શબ્દાવલી.

ભારતીય બંધારણના અનેક દેશી અને વિદેશી સ્ત્રોત છે, પરંતુ ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ ભારતીય શાસન અધિનિયમ 1935નો છે. ભારતીય બંધારણના 395 અનુચ્છેદમાંથી લગભગ 250 અનુચ્છેદ એવા છે કે, જે 1935 ઇ.ના અધિનિયમથી અથવા તો શબ્દશ લેવામાં આવ્યા છે. જેમાં અમુક ફેરફાર કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details