લખનઉ:પ્રખ્યાત કવિ અને શાયર મુનવ્વર રાણાનું 71 વર્ષની જૈફ વયે રવિવારે મોડી રાત્રે લખનૌના પીજીઆઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા. તેમના નિધનથી તેમના ચાહકો અને સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કિડનીની બિમારીથી પીડિત: મુન્નવર રાણાના દિકરી સુમૈયા રાણાએ જણાવ્યું હતું કે, તેમના પિતા મુન્નવર રાણાનું અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવામાં આવતું હતું. તેઓ ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતા. હાલમાં જ તેઓ ડાયાલિસિસ માટે ગયા હતા, ત્યારબાદ તેમને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. ચેકઅપ કરાવ્યું તો તેમના ફેફસામાં ખૂબ જ પ્રવાહી નીકળ્યું હતું અને તેમને ન્યુમોનિયા થયો હતો. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. મુનવ્વર રાણા દેશના જાણીતા કવિ અને શાયર હતા. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને માટી રતન પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે.
દિગ્ગજ શાયર-કવિ:છેલ્લા કેટલાક સમયથી તે પોતાના રાજકીય નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહ્યાં હતાં. હિન્દી, અવધી અને ઉર્દૂના કવિ મુનવ્વર રાણાની ઘણી રચનાઓ પ્રકાશિત થઈ ચુકી છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે દેશમાં અસહિષ્ણુતાનો આરોપ લગાવીને એવોર્ડ પરત કર્યા હતા. તેઓ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા હતા. મુનવ્વર રાણાની કવિતાઓની સૌથી નોંધપાત્ર વિશેષતા એ હતી કે તેઓ તેમની કવિતાઓમાં માતૃપ્રેમનો આદર હતો.